મુંબઇઃ મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે  ખેડૂતોને રાહત આપી છે. ફડણવીસ સરકારે રાજ્યમાં વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે 5380 કરોડ રૂપિયાની મંજૂરી આપી છે. આ અગાઉ ખેડૂતોના મુદ્દા પર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સાથે બેઠક કરી હતી. વરસાદથી પ્રભાવિત ખેડૂતો માટે વધારાની સહાયતા અને સહાયતા માટે વિવિધ ઉપાયો પર મુખ્યમંત્રીએ અજિત પવાર સાથે ચર્ચા કરી હતી.


આ અગાઉ મધ્યપ્રદેશના ખેડૂતોના હકમાં નિર્ણય આવ્યો હતો જે હેઠળ કેન્દ્ર સરકારે મધ્ય પ્રદેશ સરકારને 1000 કરોડ રૂપિયા આપ્યા છે. જોકે, મધ્યપ્રદેશમાં થયેલા અતિવૃષ્ટિની નુકસાની ભરપાઇ માટે રાજ્યની કમલનાથ સરકારે કેન્દ્ર સરકાર પાસે 6621 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. ન્યૂઝ એજન્સી પીટીઆઇએ કહ્યુ હતું કે, મહારાષ્ટ્રમાં વરસાદના કારણે 94,53,139 હેક્ટરમાં પાકને નુકસાન પહોંચ્યું છે.


નોંધનીય છે કે મુખ્યમંત્રી ફડણવીસ સોમવારે મુંબઇમાં વિશ્વ બેન્કના પ્રતિનિધિઓ સાથે પ્રસ્તાવિત ક્લાઇમેન્ટ રેજિલિન્સ ઇન્પ્રૂવમેન્ટ એન્ડ ફ્લડ એન્ડ઼ ડ્રોટ મેનેજમેન્ટ પ્રોગ્રામ પર ચર્ચા માટે બેઠક કરી હતી.