મુંબઈ: સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના CM પદેથી રાજીનામું આપી દીધું છે. જેને લઈને દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે એક ટ્વિટ કર્યું હતું. જે સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. ઉલ્લેખનીય છે કે, દેવેન્દ્ર ફડણવીસે ફ્લોર ટેસ્ટ પહેલા જ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

અમૃતા ફડણવીસ સોશિયલ મીડિયાને લઈને અવાર-નવાર ચર્ચામાં રહે છે. આ સાથે જ તેમણે અવાર-નવાર સામાજીક કાર્યક્રમોમાં પણ જોવા મળે છે. પતિ દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાં બાદ પત્ની અમૃતા ઈશારા ઈશારામાં જ મહત્વના સંકેત આપી દીધા છે. તેમણે સંકેત આપ્યા છે કે, હજી બધું સમાપ્ત થયું નથી. અમૃતા ફડણવીસનું આ ટ્વિટ સોશિયલ મીડિયા અને રાજનીતિમાં ચર્ચાનો વિષય બન્યું છે.

અમૃતા ફડણવીસે મહારાષ્ટ્રના રાજકીય ડ્રામા વચ્ચે ટ્વિટ કરી લખ્યું હતું કે, ‘પલટ કે આઉંગી શાખો મેં ખુશ્બુએ લેખર, ખિજા કી જદ મેં હૂં મૌસમ જરા બદલને દે’. જેનો અર્થ થાય છે કે, હું ખુશ્બૂ સાથે ફરી પાછી ફરીશ. હાલ હું પાનખરના સકંજામાં છું પરંતુ જરા મોસમ બદલાવવા દો.

અમૃતાએ આગળ લખ્યું હતું કે, વહિની તરીકે પાંચ વર્ષ આપવા બદલ મહારાષ્ટ્રને ધન્યવાદ! જેવો પ્રેમ તમે આપ્યો, તે હંમેશા મારી યાદોમાં રહેશે. મેં મારી ક્ષમતાને અનુરૂપ મારી જવાબદારી અદા કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલી જ ઈચ્છા હતી કે, તમારી સેવા કરીને સકારાત્મક પરિવર્તન કરી શકું.