મુંબઈઃ મહારાષ્ટ્રમાં અજિત પવારના રાજીનામા બાદ રાજ્યની રાજનીતિએ ફરી એક વખત પલટી મારી છે. તેના કારણે દેવેન્દ્ર ફડણવીસે પણ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું અને ભાજપની સરકાર ત્રણ દિવસમાં પડી ગઈ. પરંતુ આ ત્રણ દિવસમાં એનસીપી પ્રમુખ શરદ પ્રવાર સતત અજિત પવારને મનાવવામાં લાગ્યા હતા. તેમણે પરિવારના સભ્યો અને પાર્ટીના નેતાઓને સતત અજિત પવાર સાથે મુલાકાત કરવા માટે મોકલ્યા હતા. કહેવાય છે કે, અજીત પવારને સમજાવવામાં સુપ્રિયા સુલેના પતિ સદાનંદ સુલેની ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા રહી હતી. જાણકારી પ્રમાણે સદાનંદ સુલેએ અજીત પવારને મનાવ્યા હતા.



અજીત પવારને નાયબ મુખ્યમંત્રી તરીકે શપધ લીધા બાદથી જ તેમના પર દબાણ હતું કે તે એનસીપીસમાં પાછા ફરે. આ માટે તેના ભાઈ શ્રીનિવાસ પવાર આગળ આવ્યા હતા. બાદમાં સુપ્રિયાના પતિ સદાનંદ સુલેએ અજીત પવારને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. બન્ને મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં મળ્યા હતા.

સદાનંદ સુલે એનસીપી સુપ્રીમો શરદ પવારની એકમાત્ર પુત્રી સુપ્રિયા સુલેના પતિ છે. સદાનંદ અને સુપ્રિયાની મુલાકાત પૂણેમાં થઈ હતી. તે સમયે સુપ્રિયા એક અખબારમાં પત્રકાર તરીકે કામ કરતી હતી. એક પારિવારિક મિત્રના ત્યાં સુપ્રિયાની મુલાકાત અમેરિકામાં નોકરી કરતા સદાનંદ સુલે સાથે થઈ હતી. થોડા સમય પછી આ મુલાકાત પ્રેમમાં પરિણમી હતી. બંનેએ લગ્ન માટે પોતાના પરિવાર સાથે ચર્ચા કરી હતી. રસપ્રદ છે કે સદાનંદ સુલે શિવસેનાના સંસ્થાપક બાલા સાહબ ઠાકરેના સંબધી હતી. કહેવામાં આવે છે કે તે સમયે બંનેના લગ્નની વાત પણ બાલા સાહેબ ઠાકરેએ કરી હતી. સુપ્રિયા બાલા સાહેબને કાકા કહીને બોલાવતી હતી. જે સમયે સુપ્રિયાના લગ્ન સદાનંદ સાથે થયા ત્યારે સદાનંદ વિદેશમાં નોકરી કરતા હતા. બંનેને રેવતી નામની 15 વર્ષની પુત્રી અને 11 વર્ષનો વિજય નામનો પુત્ર છે.



આ પહેલા ખુદ શરદ પવાર અને સુપ્રિયા સુલેએ અજીત પવાર સાથે વાત કરી હતી. બંનેએ અજીત પવારને પક્ષ અને પરિવારને ટેકો આપવા સમજાવ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર અજીત પવારને સમજાવવા માટે શરદ પવારના પત્ની પ્રતિભા પવારે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્રતિભા પવારે અજીતને પરિવાર સાથે જોડાયેલા રહેવા જણાવ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર શરદ પવારે અજીતને કહ્યું હતું કે તેઓ માફ કરવા તૈયાર છે પરંતુ પહેલા તેમણે રાજીનામું આપવું પડશે.