મહાવિકાસ અઘાડીના નેતા તરીકે ચૂંટાયા બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, મેં સપનામાં પણ વિચાર્યુ નહોતું કે મહારાષ્ટ્રનો સીએમ બનીશ. હું સોનિયા ગાંધીનો પણ આભાર માનું છું. આ સરકારમાં અનુભવી લોકો હશે. સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, હું ‘મોટા ભાઈ’ને મળવા માટે દિલ્હી પણ જઈશ. ઉદ્ધવ ઠાકરેના ‘મોટા ભાઈ’ના સંબોધનને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાતનો સંકેત માનવામાં આવે છે.
આ મામલે પુછવામાં આવતા શિવસેનાના પ્રવક્તા અને વરિષ્ઠ નેતા સંજય રાઉતે કહ્યું હતું કે, મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રીના શપથ ગ્રહણ યોજાવાના છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને આમંત્રણ આપવામાં આવશે.
ઉદ્ધવ ઠાકરે શિવાજી પાર્કમાં 1લી ડિસેમ્બરે શપથ ગ્રહણ કરશે. આ દરમિયાન ઉદ્ધવ ઠાકરેની સાથોસાથ એનસીપી અને કોંગ્રેસના એક-એક નેતા ઉપમુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરશે તેમ માનવામાં આવી રહ્યું છે.