નવી દિલ્હી: દેશભરમાં આજે ઈદ અલ અઝા બકરી ઈદનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. દિલ્હી ખાતે આવેલી જામા મસ્જિદમાં લોકોએ શનિવાર સવારની નમાજ અદા કરી હતી. દિલ્હીની જામા મસ્જિદમાં સવારે 6:05 કલાકે નમાજ અદા કરવામાં આવી હતી.


જામા મસ્જિદ ખાતે તૈનાત પોલીસ કર્મચારીઓએ થર્મલ સ્ક્રીનિંગ બાદ લોકોને મસ્જિદ પ્રવેશ આપ્યો હતો. જો કે જામા મસ્જિદમાં નમાજ દરમિયાનની મિશ્રિત તસવીરો સામે આવી છે. કોરોના સંકટના કારણે કેટલાક નમાજીઓ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા જોવા મળ્યા હતા તો બીજી બાજુ તેનું ઉલ્લંઘન પણ સામે આવ્યું હતું. મસ્જિદમાં આગળ બેઠેલા લોકો તો અંતર જાળવીને નમાજ અદા કરી રહ્યા હતા પરંતુ પાછળ બેઠેલા લોકો ખૂબ જ નજીક બેસીને નમાજ અદા કરતા જોવા મળ્યા હતા.



કેટલાક લોકોએ મસ્જિદની સીડીઓ પર બેસીને પણ નમાજ અદા કરી હતી. નમાજ બાદ લોકો ઉતાવળમાં એકબીજાને અડીને ભીડમાં બહાર નીકળતા પણ જોવા મળ્યા હતા. અનેક લોકો માસ્ક વગર જ મસ્જિદમાં ફરતા જોવા મળ્યા હતા. જો કે તેમણે સ્વીકાર્યું હતું કે કેટલાક લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન કર્યું છે પરંતુ મોટા ભાગના લોકોએ નિયમોનું પાલન કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ઈદ ઉલ ફિત્ર બાદ ઈદ અલ અઝા એટલે કે બકરી ઈદ મુસ્લિમોનો બીજો સૌથી મોટો પર્વ છે. આ બંને પર્વ વખતે ઈદગાહ જઈને અથવા તો મસ્જિદોમાં વિશેષ નમાજ અદા કરવામાં આવે છે. ઈદ ઉલ ફિત્ર પર શીર ખુરમા બનાવવાનો રિવાજ છે જ્યારે ઈદ અલ અઝા પર બકરા કે બીજા જાનવરોની કુરબાની આપવામાં આવે છે.

જો કે આ વર્ષે કોરોના વાયરસ સંકટના કારણે સ્થિતિ અલગ છે. આ કારણે તહેવારોમાં ભેગી થતી ભીડ પર પણ સરકાર પ્રતિબંધ મુકી રહી છે પરંતુ સાવચેતીના પગલા સાથે દેશભરમાં બકરી ઈદ મનાવવામાં આવી રહી છે.