એર ઈન્ડિયાની ફ્લાઈટના કોકપિટમાં તેની મહિલા મિત્રને બોલાવવા બદલ પાઇલટનું લાઇસન્સ DGCA દ્વારા એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. 3 જૂને ચંદીગઢ-લેહ ફ્લાઈટના પાઇલટે તેની મહિલા મિત્રને કોકપિટમાં બોલાવી હતી. આ મામલે એર ઈન્ડિયાએ તેના બંને પાઈલટ પર તાત્કાલિક કાર્યવાહી કરી અને તેમને રોસ્ટરમાંથી હટાવી દીધા હતા. આ મામલે ડીજીસીએએ ફર્સ્ટ ઓફિસરનેનું પાઇલટ લાઇસન્સ એક મહિના માટે સસ્પેન્ડ કરી દીધું હતું કારણ કે તેમણે નિયમોના ભંગની જાણકારી આપી નહોતી.
કેબિન ક્રૂની ફરિયાદના આધારે કાર્યવાહી
એક રિપોર્ટ અનુસાર, ગયા અઠવાડિયે 3 જૂને ચંદીગઢ-લેહ ફ્લાઈટ AI-458ના કોકપિટમાં પાઈલટે નિયમોનો ભંગ કરીને તેની મહિલા મિત્રને એન્ટ્રી આપી હતી. એર ઈન્ડિયાના મેનેજમેન્ટે કેબિન ક્રૂ તરફથી કોકપિટ નિયમોના ઉલ્લંઘનની ફરિયાદ મળ્યા બાદ આ કાર્યવાહી કરી હતી.
એર ઈન્ડિયાના એક ટોચના અધિકારીએ સમાચાર એજન્સી ANIને જણાવ્યું હતું કે ફ્લાઈટ AI-458ની એક મહિલા મિત્ર નિયમોનો ભંગ કરીને કોકપિટમાં પ્રવેશી હતી. આ પછી એર ઈન્ડિયા દ્વારા બંને પાઈલટને ગ્રાઉન્ડ/ઓફ-રોસ્ટર કરવામાં આવ્યા હતા. ડીજીસીએએ કહ્યું હતું કે આ મામલે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
એર ઈન્ડિયાએ આ ઘટના અંગે સ્પષ્ટતા કરી
આ મામલામાં એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું હતું કે "એર ઈન્ડિયા સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. નિયમોનું ઈરાદાપૂર્વક ઉલ્લંઘન બિલકુલ સહન કરવામા આવશે નહીં. આવા ઉલ્લંઘનોને ગંભીરતાથી લેવામાં આવે છે. દોષિતો પર પ્રતિબંધ મૂકવામાં આવશે."
આવી જ ઘટના ફેબ્રુઆરીમાં પણ બની હતી.
આવી જ એક ઘટના 27 ફેબ્રુઆરીએ બની હતી. દુબઈ-દિલ્હી ફ્લાઈટ AL-915માં મહિલા મિત્રને કોકપિટમાં બોલાવવા બદલ પાઈલટ સામે તાત્કાલિક પગલાં લેતા DGCAએ તેનું લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યું હતું. આ સિવાય સુરક્ષા અને સંવેદનશીલ મુદ્દાઓ પર તાત્કાલિક પગલાં ન લેવા બદલ એર ઈન્ડિયાને મે મહિનામાં 30 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
ઈન્ડિગો બાદ હવે એર ઇન્ડિયાની ડીલ
ઈન્ડિગો બાદ ટાટા ગ્રુપની માલિકીની એર ઈન્ડિયાએ પણ 470 નવા એરક્રાફ્ટ ખરીદવા માટે એરબસ-બોઈંગ સાથે કરાર કર્યા છે. એર ઈન્ડિયાએ ફ્રાન્સની રાજધાની પેરિસમાં ચાલી રહેલા એર શો દરમિયાન વિમાનની ખરીદીના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન જણાવ્યું હતું કે આ ઐતિહાસિક પગલું લાંબા ગાળે એર ઈન્ડિયાના વિકાસ અને સફળતાને આગળ વધારવામાં મદદ કરશે. અમને ખાતરી છે કે આ ભાગીદારી મારફતે અમે વિશ્વને આધુનિક ઉડ્ડયન બતાવી શકીશું.