નવી દિલ્હીઃ ભારતીય  ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોની કાશ્મીરમાં પોતાની 15 દિવસની આર્મી ટ્રેનિગ લઇને પાછો ફર્યો છે. મહેન્દ્રસિંહ ધોની 31 જૂલાઇથી 15 ઓગસ્ટ સુધી કાશ્મીરમાં તૈનાત હતો. સૈન્યમાં પોતાની ટ્રેનિંગ દરમિયાન ધોની શ્રીનગર, કુપવાડા, ઉરી અને લેહમાં સેના સાથે રહ્યો હતો. પોતાની ટ્રેનિંગ દરમિયાન ધોની એક જવાનની જેમ સવારે પિટી પરેડથી લઇને ઓફિસ ડ્યુટી, હથિયાર ચલાવવાની ટ્રેનિંગ અને સાંજે રમતોમાં ભાગ લેતો હતો.

106 ટેરિટોરિયલ આર્મી બટાલિયન (પૈરા)નો ભાગ રહેલા મહેન્દ્રસિંહ ધોની પોતાની ટ્રેનિંગ દરમિયાન પેટ્રોલિંગ, ગાર્ડ અને પોસ્ટ ડ્યુટી કરતા જોવા મળ્યો હતો. 15 દિવસની ટ્રેનિંગમાં ધોની કોઇ રેગ્યુલર ઓફિસરની જેમ કામ કરતો જોવા મળ્યો હતો.





તાજેતરમાં જ કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હેઠળ મળનારો વિશેષ રાજ્યનો દરજ્જો ખત્મ કરી દીધો હતો. રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશમાં વહેંચી દીધા હતા. જમ્મુ કાશ્મીર અને લદાખને બે અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દીધા હતા. એવામાં બંન્ને નવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં પ્રથમવાર સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવ્યો હતો ધોનીએ લદાખમાં સ્વતંત્રતા દિવસ મનાવ્યો હતો. લદાખમાં તેણે આર્મી જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને દર્દીઓ સાથે વાત કરી હતી. ધોનીએ બે મહિના પૈરાશૂટ રેજિમેન્ટ દરમિયાન બોર્ડ પાસે બ્રેક માંગ્યો હતો. આર્મી ટ્રેનિંગના કારણે તે ભારતીય ટીમ સાથે વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસમાં ગયો નહોતો.