ભોપાલ: કૉંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે આજે ભોપાલમાં ઓનલાઈન પત્રકાર પરિષદ કરી હતી. આ દરમિયાન તેમણે કૉંગ્રેસ છોડીને ગયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને ચેતવ્યા કે તેમને ભાજપમાં સમ્માન અને જવાબદારી એવી નહી મળે જે કૉંગ્રેસમાં મળી હતી. દિગ્વિજય સિંહે કહ્યું સિંધિયા તેમના દિકરા સમાન છે. તેમના પાર્ટી છોડવાને લઈને દુખ થયું છે પરંતુ દુખ એ વાત પર વધારે થયું કે તેઓ એ પાર્ટીમાં સામેલ થયા જે પાર્ટીના લોકોએ તેમને ચૂંટણીમાં હરાવ્યા હતા. કદાચ તેમને પીએમ મોદીના મંત્રીમંડળમાં સામેલ થવાની ઉતાવળ હતી.


દિગ્વિજય સિંહે કહ્યું, સિંધિયા જ્યારે કૉંગ્રેસમાં હતા ત્યારે મુરૈનાથી મંદસૌર સુધી પોતાના કાર્યકર્તાઓને પદ આપતા અને અપાવતા હતા, પરંતુ હવે એવું નહી થાય કારણ કે ભાજપમાં નેતાઓનું નહી સંઘનું ચાલે છે. તેમના આવનારા દિવસોમાં પાર્ટી અને સરકારમાં કોઈ પદ અને સમ્માન મળશે તેવું મને નથી લાગતું.

કૉંગ્રેસ તરફથી રાજ્યસભા ચૂંટણી લડી રહેલા દિગ્વિજય સિંહે કહ્યું, ગુજરાતમાં જે રીતે કૉંગ્રેસના ધારાસભ્યોનું ખરીદ વેચાણ થયું એવું મધ્યપ્રદેશમાં નહી થાય, કારણ કે અમારા પ્રદેશના ધારાસભ્યો લાલચી નથી. જેટલા લાલચી હતા તે રાજ્યસભા ચૂંટણી પહેલા જ ભાજપમાં જતા રહ્યા છે. પ્રદેશમાં આવનારા દિવસોમાં 24 વિધાનસભાઓમાં પેટા ચૂંટણી થવાની છે. દિગ્વિજય સિંહે કહ્યું પાર્ટી આ ચૂંટણીને લઈને સારી તૈયારી કરી રહી છે. અમે આ ચૂંટણીમાં જઈ કહેશું કે લોકતંત્ર બચાવવા આ લાલચી લોકોને ચૂંટણીમાં હરાવો.

પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ સાથેના પોતાના સંબંધોને લઈને દિગ્વિજય સિંહે કહ્યું તેમની સાથે મારા સંબંધો 40 વર્ષ જૂના છે. તેમણે કહ્યું કમલનાથ તેમને મિત્ર અને ભાઈ જેવા છે. ધણા લોકએ અમારી વચ્ચે વિવાદ કરવાની કોશિશ કરી છે.