નવી દિલ્હીઃ કોગ્રેસ નેતા દિગ્વિજય સિંહે ભારતીય જનતા પાર્ટી અને બજરંગ દળ પર નિશાન સાધતા પાકિસ્તાન જાસૂસી એજન્સી આઇએસઆઇ માટે જાસૂસી કરવા પર મોટો આરોપ લગાવ્યો છે. સિંહે કહ્યું કે, ભાજપ અને બજરંગ દળના લોકો પૈસા લઇને આઇએસઆઇ માટે જાસૂસી કરતા રહ્યા છે.


એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમણે કહ્યું કે, એવા કેટલાક લોકો જે બજરંગ દળ અને ભાજપના પદાધિકારી હતા, આજે પણ છે, આઇએસઆઇ માટે જાસૂસી કરતા પકડાઇ ગયા હતા અને ભાજપના રાજમાં તેમની જમાનત પણ જપ્ત થઇ ગઇ હતી. તેમણે કહ્યું કે, આ પ્રકારના લોકોની જામીન રદ કરી દેવી જોઇએ અને તેમના પર કેસ ચાલવો જોઇએ, દેશદ્રોહનો કેસ ચાલવો જોઇએ.


દિગ્વિજય સિંહે કહ્યું કે, એક તરફ ભાજપ પાકિસ્તાન વિરુદ્ધ લડાઇ લડવા માટે દરરોજ આપણને રાષ્ટ્રવાદનો સંદેશ આપે છે. આ કેવો રાષ્ટ્રવાદ છે કે તેમના જ લોકો આઇએસઆઇ પાસેથી પૈસા લઇને ભારતની જાસૂસી કરે. તેની સ્પષ્ટતા તેમણે કરવી જોઇએ.

નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ દિગ્વિજય સિંહે એક નિવેદન આપતા કટ્ટર હિંદુત્વને ખતરનાક ગણાવ્યો હતો. તેમણે કહ્યુ હતું કે, પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને ઇસ્લામોફોબિયા અને કટ્ટરતાની વાત કરી હતી. હિંદુઓની કટ્ટરતા પણ મુસ્લિમોની કટ્ટરતાની જેમ ખતરનાક છે.