IFFCO Chairman: 65 હજાર કરોડથી વધુનું ટર્ન ઓવર ધરાવતી ખેડૂતોની સૌથી મોટી સહકારી મંડળી ઈફ્કોના ચેરમેન તરીકે દિલીપ સંઘાણી તો વાઈસ ચેરમેન તરીકે બલવીર સિંહની બિનહરિફ નિયુક્તિ થઈ છે. 21 ડિરેકટરોની મળેલી બોર્ડ મીટિંગમાં સંઘાણીને ફરી એકવાર ચેરમેન તરીકે તો બલવીરસિંહને વાઈસ ચેરમેન નિયુક્ત કરાયા છે. મૂળ અમરેલીના એવા સંઘાણી ખેડૂતોની અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે છેલ્લા ચાર દશકથી જોડાયા છે. તો ઉત્તરપ્રદેશના વતની એવા બલવીરસિંહ પણ ખેડૂત આગેવાન તરીકે વર્ષોથી કાર્યરત છે.


ફર્ટિલાઈઝર ક્ષેત્રે હરણફાળ ભરી રહેલી ઈફ્કોના ડિરેકટરોની ગઈકાલે ચૂંટણી યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એવા જયેશ રાદડિયાએ પ્રદેશ ભાજપના સહકાર મોરચાના અધ્યક્ષ બિપીન પટેલ (ગોતા)ને મોટા અંતરથી માત આપી હતી. ગઈકાલે જયેશ રાદડિયાને જીતાડી તેમજ આજે બિનહરિફ ચેરમેન તરીકેનો જંગ જીતી સંઘાણીએ ઈફકોમાં પોતાનો રૂતબો જાળવી રાખ્યો છે. ચેરમેન તરીકેની દિલીપ સંઘાણીની આ બીજી ટર્મ હશે. આગામી પાંચ વર્ષ માટે સંઘાણીની ઈફ્કોના ચેરમેન તરીકે નિયુક્તિ થતા તેમના સમર્થકો અને ખાસ કરીને તેમના વતન અમરેલીમાં જશ્નનો માહોલ છે. 12મેના રોજ સંઘાણીનો જન્મદિવસ છે ત્યારે જન્મદિવસ અને જીતની ઉજવણીનું આયોજન પહેલેથી જ કરાઈ ચૂક્યું છે. જે માટે આવતીકાલે અમરેલીમાં ભવ્ય આયોજન કરાયું છે.


નોંધનીય છે કે, ગઈકાલે ઈફ્કોની ડિરેક્ટર પદની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ હતી. બિપીન પટેલ સામે જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ હતી. જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી છે.  જ્યેશ રાજડિયાએ 114 મત મળ્યા છે. કુલ 180 લોકોએ મતદાન કર્યું હતું. બિપીન પટેલને આ ચૂંટણીમાં 66 મત મળ્યા હતા.  ગુજરાત બેઠક પરથી જયેશ રાદડિયા ઈફ્કોના ડિરેક્ટર તરીકે ચૂંટાયા છે.


જયેશ રાદડીયાએ ભાજપ સામે પડી દાવેદારી  કરી હતી.  જો કે સૌરાષ્ટ્રના ઇફકોના મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો.  સૂત્રો દ્વારા મળતી માહિતી મળી હતી કે ગુજરાતના 181માંથી  પૈકી 121 મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો.


જયેશ રાદડિયા હાલ રાજકોટની જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. આ ઉપરાંત રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે.  કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની પણ આ ચૂંટણી પર સીધી નજર હતી.  આ ચૂંટણીમાં કુલ 182 મતદારો હતા. તેમાં સૌરાષ્ટ્રનું વર્ચસ્વ જોવા મળ્યું છે.  એકલા રાજકોટમાં 68 મત હતા.