નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની નાવડી ડુબવાની તૈયારીમાં છે ત્યાં જ બીજા રાજ્યમાંથી પણ કોંગ્રેસ માટે માઠા સમાચાર મળી રહ્યાં છે. રાજસ્થાનમાં પણ રાજ્યસભા બેઠકોને લઇને કોંગ્રેસમાં કકળાટ શરૂ થઇ ગયો છે. રિપોર્ટ છે કે, બે રાજ્યસભા બેઠકો માટે નામો નક્કી કર્યા છે તેને લઇને સચીન પાયલટ ગ્રુપ નારાજ છે.


સુત્રો તરફથી માહિતી મળી રહી છે કે, આગામી 26 માર્ચે રાજસ્થાનમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાવવાની છે. હાલની સ્થિતિ પ્રમાણે કોંગ્રેસના ભાગમાં બે બેઠકો આવી શકે છે. કોંગ્રેસે આ બે બેઠકો માટે સંભવિત નામો તૈયાર કરી દીધા છે, જેમાં તારિક અનવર અને રાજીવ અરોડાનુ નામ સામેલ છે. આ નામો ગેહલોતના ખાસ માનવામાં આવે છે.

જ્યારે બીજીબાજુ સચીન પાયલટ ગ્રુપ આ બન્ને નામોને નારાજ છે અને દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓ સુધી પોતાની નારાજગી વ્યક્ત કરી ચૂક્યુ છે.

તારિક અનવર પાંચ વાર લોકસભા સાંસદ અને બે વાર રાજ્યસભા સાંસદ રહી ચૂક્યા છે, જ્યારે અરોડા પણ લાંબા સમયથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે, અને પ્રદેશમાં પાર્ટી ઉપાધ્યક્ષ છે. આ બન્ને નામોને ગેહલોતે નક્કી કર્યા છે. જ્યારે સચીન પાયલટ આ નામોથી નારાજ છે.

ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં રાજ્યસભાની 10 બેઠકો છે અને હાલ ભાજપ પાસે 9 અને કોંગ્રેસ પાસે 1 જ બેઠક છે. કોંગ્રેસે ગઇ વખતે આ એક બેઠક પર પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને રાજ્યસભામાં મોકલ્યા હતા. હવે નવા ગણિત પ્રમાણે આ વખતે કોંગ્રેસના ખાતામાં બે બેઠકો આવી છે.