નવી દિલ્હીઃ મધ્યપ્રદેશમાં મોટી રાજકીય ઉથલ-પાથલ થવાના એંધાણ સ્પષ્ટ દેખાઇ રહ્યાં છે. છેલ્લા 24 કલાકથી ચાલી રહેલી રાજકીય હલચલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે બીજેપીએ પોતાના તમામ 106 ધારાસભ્યોને દિલ્હી થઇને ગુરુગ્રામ રવાના કરી દીધા છે. બીજેપીને પોતાના ધારાસભ્યો તુટવાનો ભય સતાવી રહ્યો છે.


ઉલ્લેખનીય છે કે, જ્યોતિરાદિત્ય સિંધિયાના રાજીનામા બાદ બીજા 22 ધારાસભ્યોનાએ પણ રાજીનામા આપી દીધા હતા, જેના કારણે હવે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ અને બીજેપી બન્ને વચ્ચે રાજકીય ખેંચતાણ વધી ગઇ છે.



રિપોર્ટ છે કે, ગઇરાત્રે બીજેપીએ ચાર્ટર પ્લેન મારફતે પોતાના 106 ધારાસભ્યોને ભોપાલથી દિલ્હી થઇને ગુરુગ્રામ મોકલી દીધા છે. ભોપાલથી પ્લેનમાં બેસાડીને તમામ ધારાસભ્યોને દિલ્હી એરપોર્ટ પર ઉતાર્યા અને બાદમાં બસ મારફતે ગુરુગ્રામ રવાના કરી દીધા હતા. હાલ આ તમામ ધારાસભ્યો ગુરુગ્રામની આઇટીસી ગ્રાન્ડ ભારત હૉટલમાં રોકાયા છે.

રિપોર્ટ છે કે, ધારાસભ્યોને મળવા કૈલાશ વિજયવર્ગીય અને શિવરાજ સિંહ ચૌહાણ પણ પહોંચ્યા છે.