નવી દિલ્હી: ભારતે ચીનના તે દાવાનો ફગાવી દીધો છે, જેમાં ચીને કહ્યું હતું કે, બન્ને દેશોની સેનાએ સીમા પર મોટાભાગના સ્થળેથી પાછળ ખસવાની પ્રક્રિયા પૂરી કરી લીધી છે. ચીનના આ દાવા પર આજે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું કે, “સૌન્ય દળોની પાછળ ખસવાની પ્રક્રિયા હજુ પૂરી થઈ નથી.”

તેઓએ કહ્યું, “પૂર્વ લદ્દાખમાં સેનાની પાછળ હટવાની પ્રક્રિયા પૂરી કરવા સંબંધીત પગલા પર વિચાર કરવા માટે ભારત-ચીનના વરિષ્ઠ કમાન્ડર જલ્દીજ મુલાકાત કરશે.”

ચીન સાથે સીમા વિવાદ પર પ્રવક્તાએ કહ્યું, “સરહદી ક્ષેત્રોમાં શાંતિ કાયમ રાખવા દ્વિપક્ષીય સંબંધોનો આધાર છે. અમે આશા રાખીએ છીએ કે ચીન સરહદ પરથી સેનાને પાછળ ખસેડવાની પ્રક્રિયા પૂરી કરવા અને તણાવ ઓછો કરવા માટે આપણી સાથે ઈમાનદારીથી મળીને કામ કરશે.”

આ પહેલા ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, “હવે સરહદ પર ફ્રન્ટલાઈનના સૈનિકોએ મોટાભાગના સ્થળો પરથી પાછળ ખસવાની પ્રક્રિયા પૂરી કરી લીધી છે અને જમીની સ્તરે તણાવ ઘટી રહ્યો છે.”