પટણાઃ ઘણા લાંબા સમયથી પક્ષથી નારાજ ચાલી રહેલા ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા મંત્રી યશવંત સિન્હાએ બીજેપી છોડી દીધી છે. યશવંત સિન્હાએ પોતાના નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે, હું બીજેપી સાથેના મારા તમામ સંબંધો સમાપ્ત કરી રહ્યો છું. આજથી હું કોઇ પણ પ્રકારની પાર્ટી પોલિટિક્સમાંથી નિવૃતિ જાહેર કરી રહ્યો છું.
સિન્હાએ કહ્યું કે, આજે લોકતંત્ર ખતરામાં છે. હું રાજનિતિમાંથી સંન્યાસ લઇ રહ્યો છું પરંતુ આજે પણ દિલ દેશ માટે ધડકે છે. નોંધનીય છે કે સિન્હાના દીકરા જયંત સિન્હા મોદી સરકારમાં મંત્રી છે. સિન્હાએ વધુમાં કહ્યું કે, આજે આપણે જે થઇ રહ્યું છે તેની સામે લડીશું નહી તો આવનારી પેઢીઓ આપણને માફ કરશે નહીં.
નોંધનીય છે કે યશવંત સિન્હા છેલ્લા કેટલાય દિવસોથી નોટબંધી અને જીએસટીને લાગુ કરવાની રીત બદલ મોદી સરકારની ટિકા કરતા આવ્યા છે. સિન્હાએ આ વર્ષે 30 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રમંચ નામથી એક નવા સંગઠનની સ્થાપના કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે આ સંગઠન બિનરાજકીય હશે અને કેન્દ્ર સરકારની જનવિરોધી નીતિઓને ખુલ્લી પાડશે. 1998માં પ્રથમવાર લોકસભામાં જીતેલા યશવંત સિન્હા અટલ બિહારી વાજપેઇની સરકારમાં નાણામંત્રી રહી ચૂક્યા છે. એટલું જ નહી પૂર્વ વડાપ્રધાન ચંદ્રશેખરની સરકારમાં 1990થી 1991 સુધી સરકારમાં પણ નાણામંત્રી જ હતા.