બગદાદઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અનેકવાર પોતાના ચોંકાવનારા નિર્ણયોને કારણે હંમેશા ચર્ચામાં રહે છે. સીરિયા અને અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકો પાછા બોલાવી લેવાના નિર્ણય બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીવાર એવું પગલું ભર્યું છે જેને કારણે દુનિયા ચોંકી ઉઠી છે. ટ્રમ્પ બુધવારે અચાનક ઇરાક પહોંચ્યા હતા. અહીં તેમણે પોતાની પત્ની મેલાનિયા ટ્રમ્પ સાથે અમેરિકાના બેસની મુલાકાત લીધી હતી.
નોંધનીય છે કે ઇરાક પણ સીરિયા પાસે આવેલો છે. એવામાં ટ્રમ્પના પ્રવાસને કારણે અનેક અટકળો લાગી રહી છે. અમેરિકન રાષ્ટ્રપતિના આ પ્રવાસની કોઇને જાણકારી નહોતી. સીરિયા અને અફઘાનિસ્તાનથી અમેરિકન સૈનિકો પાછા બોલાવી લેવાના ટ્રમ્પના નિર્ણયની ખૂબ ટીકા કરવામાં આવી રહી છે. આ કારણ છે કે હવે ટ્રમ્પે વિરોધીઓને વળતો જવાબ આપ્યો છે.
ટ્રમ્પે ઇરાકમાં અમેરિકન બેઝ કેમ્પ પહોંચ્યા હતા અને સૈનિકોને સંબોધિત કરતા કહ્યું હતું કે, તેમની નીતિ અમેરિકા ફર્સ્ટની છે. આ કારણ છે કે તેઓ આવા નિર્ણય લઇ રહ્યા છે. હવે તેઓ ફક્ત સહન કરનાર દેશ રહેશે નહીં. અમેરિકાનો આ બેઝ કેમ્પ ઇરાકની રાજધાની બગદાદથી ફક્ત 60 કિલોમીટર દૂર છે.