અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે આતંકવાદ પર એવું તે શું કહ્યું કે મોદી સહિત તમામ લોકોએ ઉભા થઈને તાળીઓ પાડી
abpasmita.in | 23 Sep 2019 07:21 AM (IST)
આ કાર્યક્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનું નામ લીધા વગર તેને કડક શબ્દોમાં ચેતવણી આપી છે.
નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે અમેરિકાના હ્યૂસ્ટન શહેરમાં હાઉડી મોદી કાર્યક્રમને સંબોધિત કર્યું. અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયના લોકો દ્વારા આયોજિત કરવામાં આવેલ આ કાર્યક્રમમાં પીએમ મોદીનું શાનદાર સ્વાગત કરવામાં આવ્યું. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારતમાં પીએમ મોદી ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. આ ઐતિહાસિક કાર્યક્રમમાં આવીને ખૂબ જ ખુશ છું. તેમણે કહ્યું કે, મારું સૌભાગ્ય છે કે હું પીએમ મોદી સાથે છું. ભારત-અમેરિકા એક બીજાનું સન્માન કરે છે. આ કાર્યક્રમમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનનું નામ લીધા વગર તેને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ટ્રમ્પે કહ્યું કે, “અમે કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદથી નિર્દોષ લોકોની રક્ષા કરવા માટે પ્રતિબદ્ધ છીએ.” જ્યારે ટ્રમ્પે આ વાત કહી તે સમયે પીએમ મોદી સહિત સ્ટેડિયમમાં હાજર તમામ લોકોએ ઉભા થઇને તાળીઓ વગાડવા લાગ્યા. તેમણે કહ્યું કે, “બંને દેશો સાથે મળીને તેનો સામનો કરશે.” ટ્રમ્પે કહ્યું કે, “બંને દેશો માટે પોતાના દેશની સરહદની સુરક્ષા કરવી ઘણી જ જરૂરી છે. આ માટે અમે બંને મળીને પગલા ઉઠાવીશું.” ટ્રમ્પનાં આ નિવેદન દ્વારા કરવામાં આવતી ઘુસણખોરીનાં જવાબ તરીકે જોવામાં આવી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, “સુરક્ષાનાં હિસાબે બંને દેશો સાથે મળીને કામ કરી રહ્યા છે. આપણે બંને દેશ કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદથી એકજૂટ થઈને લડીશું. અમેરિકા અને ભારત એ વાત જાણે છે કે પોતાના લોકોને સુરક્ષિત રાખવા માટે સીમાઓને સુરક્ષિત રાખવી જરૂરી છે. અમે સુરક્ષાનાં સંકટને દેશમાં નહીં આવવા દઇએ. ગેરકાયદેસર પ્રવાસને રોકવા પર પણ કામ કરવામાં આવી રહ્યું છે.” ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, “પીએમ મોદી હું તમારી સાથે બંને દેશોને વધારે સમૃદ્ધ બનાવવા પર કામ કરું છું. અમેરિકામાં ભારતીય કંપનીઓ હજારો લોકોને રોજગાર આપી રહી છે. અમેરિકામાં અભૂતપૂર્વ રોકાણ થઈ રહ્યું છે. ભારત અમેરિકામાં અભૂતપૂર્વ રીતે રોકાણ કરી રહ્યું છે. અમે પણ ભારતમાં આવુ કરી રહ્યા છીએ.”