DRDO Scientist Arrested:  મહારાષ્ટ્ર ATSએ ગુરુવારે (4 મે) પાકિસ્તાનના એજન્ટને ગુપ્ત માહિતી શેર કરવાના મામલે મોટી કાર્યવાહી કરી હતી. ATSએ પુણે સ્થિત DRDOના ડાયરેક્ટર અને વૈજ્ઞાનિક ડૉ. પ્રદીપ કુરુલકરની પાકિસ્તાનને સંવેદનશીલ માહિતી આપવાના આરોપમાં ધરપકડ કરી છે. ATS સૂત્રોએ જણાવ્યું કે, વૈજ્ઞાનિક પ્રદીપ કુરુલકરને પાકિસ્તાન ઈન્ટેલિજન્સ ઓપરેટિંગ (PIO)ના એક વ્યક્તિએ હનીટ્રેપમાં ફસાવ્યા હતા. આ પછી, આરોપી વૈજ્ઞાનિક કુરુલકરે સંવેદનશીલ માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું અને તેને પાકિસ્તાનના વ્યક્તિને આપવાનું શરૂ કર્યું.


 






સૂત્રોએ શું કહ્યું?
સૂત્રોએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરી મહિનામાં ભારતીય ગુપ્તચર એજન્સીઓને જાણ થઈ હતી કે પ્રદીપ કુરુલકર અજાણતાં હનીટ્રેપમાં ફસાઈ ગયા છે. તે વીડિયો ચેટ અને અન્ય સોશિયલ મીડિયા દ્વારા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીના સંપર્કમાં છે. આ પછી, તેની માહિતી ડીઆરડીઓને આપવામાં આવી હતી.


અધિકારીઓએ શું કહ્યું?
એક અધિકારીએ જણાવ્યું કે, સમગ્ર મામલાની જાણકારી મળ્યા બાદ ડીઆરડીઓના વિજિલન્સ વિભાગે તપાસ શરૂ કરી અને રિપોર્ટ તૈયાર કર્યો. વિવિધ ભારતીય તપાસ એજન્સીઓને આ રિપોર્ટ વિશે જણાવવામાં આવ્યું હતું. આ પછી મહારાષ્ટ્ર ATSએ આ મામલાની તપાસ કરી અને ડૉ. પ્રદીપ કુરુલકરની ધરપકડ કરી. તમને જણાવી દઈએ કે કુરુલકર આ વર્ષે નવેમ્બર મહિનામાં નિવૃત્ત થવા જઈ રહ્યા હતા. અત્યાર સુધીની તપાસમાં તપાસ એજન્સીઓને જાણવા મળ્યું છે કે અજાણતા તેઓ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીઓના સંપર્કમાં આવ્યા હતા.


ATSએ શું કહ્યું?
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, એટીએસની એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે વૈજ્ઞાનિકને ખબર હતી કે તેના કબજામાં રહેલી સત્તાવાર ગુપ્ત માહિતી દુશ્મનને મળી જાય તો  દેશની સુરક્ષા માટે જોખમી બની શકે છે. આને ધ્યાનમાં રાખીને, મુંબઈમાં એટીએસના કાલાચોકી યુનિટમાં ઓફિશિયલ સિક્રેટ એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.