વોશિંગ્ટનઃ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતું અટકે તે માટે હાલ દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે દેશના આશરે ચાર કરોડ પ્રવાસી મજૂરો પ્રભાવિત થયા હોવાનું વિશ્વ બેંકના રિપોર્ટમાં સામે આવ્યું છે.


વર્લ્ડ બેંકેના રિપોર્ટમાં લખવામાં આવ્યું કે, ભારતમાં લોકડાઉનના કારણે ચાર કરોડ આંતરિક પ્રવાસીઓની આજીવિકા પર અસર પડી છે. છેલ્લા થોડા દિવસો દરમિયાન 50-60 હજાર લોકો શહેરી કેન્દ્રોથી ગ્રામીણ ક્ષેત્રો તરફ જતા રહ્યા છે.

'કોવિડ-19 ક્રાઈસિસ થ્રૂ એ માઈગ્રેશન લેંસ' નામના રિપોર્ટમાં જણાવવામાં આવ્યા પ્રમાણે, લોકડાઉનના કારણે નોકરી છૂટી જવાથી અને સામાજિક અંતરના કારણે ભારત તથા લેટિન અમેરિકાના અનેક દેશોમાં મોટા પાયે આંતરિક પ્રવાસીઓ વતન પરત ફરી ગયા છે. સરકારે રોકડા અને અન્ય સામાજિક કાર્યક્રમો દ્વારા આવા લોકોની મદદ કરવી જોઈએ.

વર્લ્ડ બેંકે કહ્યું છે કે કોરોના વાયરસ સંકટે દક્ષિણ એશિયામાં આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ બંને પ્રવાસને પ્રભાવિત કર્યા છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ 21,393 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુક્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ 681 લોકોના મોત થયા છે. જ્યારે 4257 લોકો ડિસ્ચાર્જ થઈ ચુક્યા છે. ઉપરાંત 16454 એક્ટિવ કેસ છે.