સરકારે જે નિર્ણય લીધો છે તે અનુસાર, એક જાન્યુઆરી 2020, ત્યારબાદ 1 જૂલાઇ 2020 અને એક જાન્યુઆરી 2021થી મોંઘવારી ભથ્થાના વધારા પર રોક લગાવી દીધી છે. આ સાથે જ સરકારે સ્પષ્ટ કર્યું હતુ કે, ભવિષ્યમાં આ મોંઘવારી ભથ્થુ એરિયર તરીકે પણ નહી મળે. નોંધનીય છે કે સરકારે છેલ્લા મહિને જ સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી અને કર્મચારીઓનું ડીએ 17 ટકાથી વધારીને 21 ટકા કરી દીધું હતું પરંતુ હવે આ વધેલું મોંઘવારી ભથ્થું પણ મળશે નહીં.
નાણામંત્રાલયે કહ્યુ કે, કેન્દ્ર સરકાર પોતાના કર્મચારીઓને 1 જાન્યુઆરી 2020થી આપનારા મોંઘવારી ભથ્થા અને કેન્દ્ર સરકારના પેન્શનધારકોને મળનારા મોંઘવારી રાહતનો વધારાનો હપ્તો નહી આપવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય વધેલા મોંઘવારી ભથ્થા માટે છે. વર્તમાન દરો પર મોંઘવારી ભથ્થાનું પેમેન્ટ કરવામાં આવશે. નોંધનીય છે કે સરકારના આ નિર્ણયની અસર લગભગ 54 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનધારકો પર પડશે. નાણા મંત્રાલના અંદાજ અનુસાર, આ નિર્ણયથી સરકારને માર્ચ 2021 સુધીમાં અંદાજીત 27 હજાર કરોડ રૂપિયા બચશે.