ગુવાહાટીઃ દેશમાં કોરોના વાયરસને લઈ 21 દિવસનું  લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, જેનો આવતીકાલે અંતિમ દિવસ છે. આ દરમિયાન કેટલાક રાજ્યોએ 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવવાનો નિર્ણય લીધો છે.


આ દરમિયાન આસામ અને મેઘાલય સરકારે આજથી દારૂની દુકાનો ખોલવાનો ફેંસલો લીધો છે. આસામમાં દારૂની દુકાનો સપ્તાહના સાતેય દિવસ ખુલ્લી રહેશે, જ્યારે મેઘાલયમાં હાલ માત્ર સોમવારથી શુક્રવાર સુધી જ ખોલવાનો ફેંસલો લેવામાં આવ્યો છે.

આ દરમિયાન સોશિયલ ડિસ્ટેન્સિંગનું પણ ધ્યાન રાખવામાં આવશે. મેઘાલયમાં અંતરિયાળ વિસ્તારમાં દારૂની હોમ ડિલિવરી પણ કરવામાં આવશે.

થોડા દિવસો પહલા સોશિયલ મીડિયા પર દારૂની હોમ ડિલિવરી થતી હોવાની લિંક ફરતી થઈ હતી. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી લિંક પર ક્લિક કરતાં એક જાહેરાત ખુલતી હતી. જેમાં એક મોબાઇલ નંબર લખ્યો છે. જેના પર સંપર્ક કરીને દારૂની હોમ ડિલિવરીનો દાવો કરવામાં આવ્યો છે. વાઇન શોપ નામથી વાયરલ થયેલી વિજ્ઞાપનમાં તમામ બ્રાંડની શરાબ ઉપલબ્ધ હોવાનું લખવામાં આવ્યું છે.

જેને લઈ નાગપુર પોલીસે સ્પષ્ટતા કરી કે, સાયબર ફ્રોડ હજુ પણ બંધ થયું નથી. આ ફેક મેસેજ છે. આપેલી લિંક પર ક્લિક કરીને કોઈએ પૈસા આપવા નહીં. તમે છેતરપિંડીનો ભોગ બની શકો છો.