નવી દિલ્હીઃ ભારતમાં Coronavirusનો કહેર વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 1100થી વધારે લોકોને ચેપ લાગ્યો છે અને 27 લોકોના મોત થયા છે. જ્યારે 90 લોકો સાજા થઈ ગયા છે. ભારતમાં કોરોના વકરતો અટકે તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસના Lockdownની જાહેરાત કરવામાં આવી છે. આ દરમિયાન આજે સવારે મોદીએ ટ્વિટ કરીને કેટલાક વીડિયો અપલોડ કરીને વિવિધ યોગાસનો અંગે જણાવ્યું છે.


વડાપ્રધાન મોદીએ સોમવારે સવારે ટ્વિટમાં લખ્યું, ગઈકાલે મન કી બાત દરમિયાન કોઈકે મારી ફિટનેસ રૂટિન અંગે પૂછ્યું હતું. તેથી મારા મનમાં યોગના વીડિયો શેર કરવાનો વિચાર આવ્યો. મને આશા છે કે તમે પણ દરરોજ યોગ કરશો.

પીએમે લખ્યું, હું કોઈ ફિટનેસ એક્સપર્ટ નથી કે નથી કોઈ મેડિકલ એક્સપર્ટ, પરંતુ યોગ કરવા મારી જિંદગીનો વર્ષોથી હિસ્સો રહ્યો છે. જેનાથી મને ઘણો લાભ થયો છે. મને આશા છે કે તમે પણ ફિટ રહેવા માટે અનેક રીતો અજમાવતા હશો.

પીએમ મોદીએ અનેક ભાષામાં વીડિયો અપલોડ કર્યા છે. મોદીએ જે વીડિયો અપલોડ કર્યા છે તે એનિમેડિટ છે. આ વીડિયોમાં પીએમ મોદી 3ડી અવતારમાં યોગના વિવિધ આસનો કરી રહ્યા છે.