નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી ભારતમાં 1300થી વધારે લોકો તેનાથી સંક્રમિત થયા છે અને 39 લોકોના મોત થયા છે. ભારતમાં કોરોના વાયરસના વધી રહેતા ખતરાને જોતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 21 દિવસના Lockdownની જાહેરાત કરી છે. આ દિવસો દરમિયાન લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરવામાં આવી છે. લોકડાઉનના આદેશ બાદે પોલીસ પણ કડક વલણ અપનાવી રહી છે. આ દરમિયાન પંજાબમાં કાર લઈને નીકળેલા ધારાસભ્યને પરત મોકલી દીધા હતા. સરદૂલગઢના ધારાસભ્ય દિલરાજ સિંહ ભૂંદડ મંજૂરી વગર સિરસામાં તેમની ગાડી લઈને આવ્યા હતા. ગાડી પર MLAનું સ્ટીકર પર લગાવેલું હતું. ગામડાના રસ્તેથી તેઓ સિરસા પહોંચ્યા પરંતુ ધારાસભ્યની ગાડીને હુડા ચોક પર ઉભેલી પોલીસે અટકાવી હતી. ગાડી થોભતાં સરકારી ગનમેન બહાર આવ્યો અને જણાવ્યું કે અંદર ધારાસભ્ય બેઠા છે. પરંતુ સ્થળ પર હાજર ડીએસપી દિનેશ કુમારે મંજૂરી ન હોવાથી પરત ફરી જવા આદેશ કર્યો. પોલીસ ટીમ તો ધારાસભ્યની ગાડીનું ચલણ કાપવાની તૈયારી કરી રહી હતી પરંતુ ધારાસભ્યની વિનંતી પર પોલીસે ચલણ ફાડ્યું નહોતું અને તેમને પરત મોકલી દીધા હતા.