નવી દિલ્હીઃ હરિયાણાની  જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ના વડા દુષ્યંત ચૌટાલાના પિતા અજય ચૌટાલાને બે સપ્તાહ માટે ફરલો (જેલમાંથી રજા) મળી  ગયું છે. તે આજે સાંજે અથવા રવિવારે સવારે જેલમાંથી બહાર આવી શકે છે. તે હાલમાં  દિલ્હીની તિહાડ જેલમાં બંધ છે. બે દિવસ અગાઉ 24 ઓક્ટોબરના રોજ હરિયાણા વિધાનસભા ચૂંટણીના  પરિણામો આવ્યા હતા જેમાં દુષ્યંત ચૌટાલાની પાર્ટીના 10 ઉમેદવારો જીત્યા હતા. ત્યારબાદ ભાજપ સાથે નવી સરકાર બનાવવાની ડીલમાં પોતાની પાર્ટી માટે નાયબ મુખ્યમંત્રીનું પદ હાંસલ કરી લીધું હતું.


અજય ચૌટાલા હરિયાણામાં જૂનિયર બેસિક ટ્રેડ ટીચર ભરતી કૌભાંડ મામલામાં જેલ થઇ હતી. હરિયાણાના  પૂર્વ મુખ્યમંત્રી અને ઇન્ડિયન નેશનલ લોકદળના અધ્યક્ષ ઓમપ્રકાશ ચૌટાલા અને તેમના દીકરા અજય ચૌટાલાના સીબીઆઇના સ્પેશ્યલ કોર્ટે 10-10 વર્ષની સજા કરાઇ હતી. આ કૌભાંડમાં કુલ 55 લોકોને કોર્ટે  દોષિત ઠેરવ્યા હતા.


આ વર્ષે જૂનમાં તિહાડ  જેલમા ચેકિંગ દરમિયાન અજય ચૌટાલા પાસેથી મોબાઇલ ફોન મળી આવ્યો હતો. ગુપ્ત સૂચનાના આધાર પર પોલીસે કાર્યવાહી કરી હતી અને તેમની પાસેથી ફોન જપ્ત કર્યો  હતો. નોંધનીય છે કે દોષિત અડધાથી  વધુ સમય સુધી જેલની સજા કાપી  ચૂક્યો હોય તેને વર્ષમાં ચાર સપ્તાહ સુધી ફરલો આપવામાં આવે છે.