Ebrahim Raisi Passed Away: ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસી અને વિદેશ મંત્રીનું રવિવાર (મે 19) ના રોજ હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું હતું. આના પર ભારત સરકારે 21મી મેના રોજ દેશમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો હતો. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું કે  ભારત સરકારે નિર્ણય લીધો છે કે 21 મેના રોજ સમગ્ર ભારતમાં એક દિવસનો રાજકીય શોક રહેશે. શોકના દિવસે ભારતમાં એ તમામ ઇમારતો પર રાષ્ટ્રીય ધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે જ્યાં રાષ્ટ્રીય ધ્વજ નિયમિતપણે ફરકાવવામાં આવે છે અને તે દિવસે કોઇ સત્તાવાર ઉજવણીના કાર્યક્રમો યોજાશે નહીં.






વાસ્તવમાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસી રવિવારે (19 મે)ના રોજ અઝરબૈજાનના રાષ્ટ્રપતિ ઈલ્હામ અલીયેવ સાથે ડેમનું ઉદ્ઘાટન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જોકે, તેમના કાફલામાં બે હેલિકોપ્ટર સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થાને પહોંચી ગયા હતા. આ ઘટનાની માહિતી મળતા જ ઈરાની સુરક્ષા દળો અને બચાવ અધિકારીઓની એક ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ હતી.


રાષ્ટ્રપતિ સહિત 9 લોકોના મોત થયા છે


ઈરાનના ઉત્તર-પશ્ચિમ ભાગના પર્વતીય વિસ્તારમાં મોટા પાયે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ રવિવારની મોડી રાત સુધી તેના વિશે કંઇ જાણવા મળ્યું ન હતું. જોકે, સોમવારે (20 મે) સવારે ઈરાને રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઇસીના મૃત્યુની પુષ્ટી કરી હતી. ઈરાને કહ્યું કે આ દુર્ઘટનામાં હેલિકોપ્ટરમાં મુસાફરી કરી રહેલા રાષ્ટ્રપતિ રઇસી સહિત 9 લોકોના મોત થયા છે. દુર્ઘટના પાછળનું કારણ ખરાબ હવામાન હોવાનું માનવામાં આવે છે.


પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો


 ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ રઇસીના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું, “ઈરાનના રાષ્ટ્રપતિ ડૉક્ટર સૈયદ ઈબ્રાહિમ રઇસીના દુ:ખદ નિધનથી ખૂબ જ દુઃખી છું અને આઘાત લાગ્યો છે. ભારત-ઈરાન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં તેમના યોગદાનને હંમેશા યાદ રાખવામાં આવશે. તેમના પરિવાર અને ઈરાનના લોકો પ્રત્યે મારી સંવેદના. ભારત દુઃખની આ ઘડીમાં ઈરાનની સાથે છે.