નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ ન્યૂઝપેપર સાથે સંબંધિત કથિત મની લોન્ડરિંગના કેસમાં આજે સતત ત્રીજા દિવસે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી હતી. એજન્સી દ્વારા લગભગ સાડા આઠ કલાક સુધી તેમની પૂછપરછ કરવામાં આવી હતી. રાહુલ ગાંધીની અત્યાર સુધી 30 કલાક પૂછપરછ કરવામા આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એજન્સીએ હવે ફરી એકવાર તેઓને શુક્રવારે બોલાવ્યા છે.




સૂત્રોના જણાવ્યા અનુસાર, તપાસ એજન્સીએ આજે ​​રાહુલ ગાંધીને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) અને તેની માલિકીની કંપની યંગ ઈન્ડિયન સંબંધિત નિર્ણયોમાં તેમની "વ્યક્તિગત ભૂમિકા" વિશે પૂછપરછ કરી હતી. રાહુલ ગાંધી આજે સવારે 11.35 વાગ્યે મધ્ય દિલ્હીના એપીજે અબ્દુલ કલામ રોડ પર સ્થિત ED હેડક્વાર્ટર પહોંચ્યા હતા. તેમની સાથે તેમની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ હતા.


ઓડિયો અને વિડિયો રેકોર્ડિંગ


અધિકારીઓનું કહેવું છે કે ત્રણ દિવસની પૂછપરછ દરમિયાન રાહુલ ગાંધીના નિવેદનનું ઓડિયો અને વીડિયો રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું. તેમના નિવેદનો કાગળ પર ટાઈપ કરવામાં આવે છે અને મિનિટ-મિનિટના આધારે તેઓને બતાવવામાં આવે છે અને હસ્તાક્ષર કરાવવામાં આવે છે અને પછી તપાસ અધિકારીને સોંપવામાં આવે છે.


તપાસ એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીને AJLની માલિકીની આશરે રૂ. 800 કરોડની મિલકતો વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે. કોંગ્રેસ દાવો કરે છે કે આ મામલામાં કોઈ એફઆઈઆર નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે એફઆઈઆર આધાર પર કરવામાં આવતી  પ્રક્રિયાઓની સરખામણીએ  ઇડીની કાર્યવાહી વધુ નક્કર હતી કારણ કે કોર્ટે આવકવેરા વિભાગ દ્વારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટની નોંધ લીધી હતી અને પ્રક્રિયા ચાલુ રાખી હતી.


કોંગ્રેસનું પ્રદર્શન


રાહુલ ગાંધીની EDની પૂછપરછના ત્રીજા દિવસે પણ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જે બાદ પોલીસે અનેક લોકોને કસ્ટડીમાં લીધા હતા. પોલીસે કોંગ્રેસ હેડક્વાર્ટરની આસપાસના વિસ્તારમાં કલમ 144 લગાવી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ ગુરુવારે રાષ્ટ્રપતિ અને ગૃહમંત્રી સાથે મુલાકાતનો સમય માંગશે. જો સમય આપવામાં આવશે તો 5 નેતાઓનું પ્રતિનિધિમંડળ મળશે અને ED અને દિલ્હી પોલીસની કાર્યવાહી અંગે ફરિયાદ કરશે.