Petrol Diesel Supply: દેશમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી હતી. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ અછત નથી. પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન માંગમાં તીવ્ર ઉછાળાને પહોંચી વળવા માટે પૂરતું છે. હકીકતમાં દેશના ઘણા ભાગોમાંથી પેટ્રોલ અને ડીઝલની અછતના રિપોર્ટ બહાર આવી રહ્યા છે.ખાસ કરીને ઉત્તરાખંડ, ઝારખંડ, રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં પેટ્રોલ પંપો પર ઈંધણની અછત હોવાના અહેવાલો છે.
પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં કેટલાક વિસ્તારોમાં PSU રિટેલ આઉટલેટ્સ પર ભારે ભીડ જોવા મળી રહી છે. ડીઝલ ન મળવાના કારણે ગ્રાહકો પરેશાન થઇ રહ્યા છે. આ ધસારાના કારણે સરકારી ઓઈલ કંપનીઓ દ્વારા પુરવઠામાં ઘટાડો થવાની અટકળોને વેગ મળ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, એ વાત સાચી છે કે કેટલાક રાજ્યોમાં ચોક્કસ સ્થળોએ પેટ્રોલ અને ડીઝલની માંગમાં ભારે વધારો થયો છે. જૂન 2022ના પહેલા છ મહિનામાં પેટ્રોલ અને ડીઝલની માંગમાં પાછલા વર્ષની સરખામણીમાં 50%નો વધારો થયો છે. ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કર્ણાટક જેવા રાજ્યોમાં વધુ માંગ જોવા મળી રહી છે. પેટ્રોલિયમ મંત્રાલયે કહ્યું કે આ એવા રાજ્યો છે જ્યાં ખાનગી પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓ દ્વારા મોટા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલનો સપ્લાય કરવામાં આવે છે અને આ સ્થાનો સપ્લાય પોઈન્ટ્સ એટલે કે ટર્મિનલ અને ડેપોથી દૂર છે.
પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પેટ્રોલ અને ડીઝલની માંગમાં વધારો કૃષિ પ્રવૃત્તિઓને કારણે થયો છે. તેથી જથ્થાબંધ પેટ્રોલ અને ડીઝલના ખરીદદારો હવે છૂટક પેટ્રોલ પંપ પરથી ખરીદી કરી રહ્યા છે, જેના કારણે મુશ્કેલીમાં પણ વધારો થયો છે. પ્રાઈવેટ માર્કેટિંગ કંપનીઓએ વેચાણ ઘટાડ્યું છે, જેના કારણે તેનો બોજ સરકારી કંપનીઓ પર આવ્યો છે.