Presidential Polls 2022: પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના કહ્યા મુજબ આજે દિલ્હીમાં વિરોધ પક્ષના નેતાઓની એક બેઠક યોજાઈ હતી જેમાં કોંગ્રેસ સહિત અનેક પક્ષોએ ભાગ લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દરમિયાન બુધવારે રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાષ્ટ્રપતિ પદના ઉમેદવારના મુદ્દે મમતા બેનર્જી અને કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે ફોન પર વાત કરી હતી. મહત્વનું છે કે, આગામી રાષ્ટ્રપતિ માટેની ચૂંટણીને લઈ વિપક્ષી નેતાઓ સાથે ચર્ચા કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ અધ્યક્ષ જે.પી. નડ્ડા અને રક્ષા મંત્રી રાજનાથ સિંહની નિમણૂંક કરી છે.


સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, રાજનાથ સિંહે સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવને પણ ફોન કર્યો છે. રાજનાથ સિંહે નવીન પટનાયક અને નીતીશ કુમાર સાથે પણ રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને વાત કરી છે. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ વિશે જણાવ્યું કે, "મેં રાજનાથ સિંહ સાથે વાત કરી, તેમણે કહ્યું કે, પીએમ મોદી અમારો (વિપક્ષનો) અભિપ્રાય જાણવા માંગે છે", મેં પૂછ્યું કે, "તેમનો પ્રસ્તાવ શું છે, ઉમેદવારો કોણ છે? તેમણે સંપર્કમાં રહેવાનું અમને નથી કહ્યું. જો અમે (વિપક્ષ) રાષ્ટ્રપતિ માટે કોઈ એક નામ આપીએ તો શું સરકાર તેને સ્વીકારશે?"


વિરોધ પક્ષોની બેઠકઃ
આ દરમિયાન દિલ્હીમાં યોજાયેલી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં, ટીએમસી સુપ્રિમો અને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ રાષ્ટ્રપતિ પદ માટે શરદ પવારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. પરંતુ તેમણે એમ કહીને ના પાડી દીધી કે, તેઓ હજુ પણ રાજકારણમાં સક્રિય થવાના છે. આ પછી વિપક્ષી નેતાઓએ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં એક સામાન્ય ઉમેદવાર ઉતારવાનો સંકલ્પ કર્યો છે. રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર નક્કી કરવા માટે વિપક્ષી દળોની આગામી બેઠક 21 જૂને યોજાય તેવી શક્યતા છે.


આ પણ વાંચોઃ


‘શાળા પ્રવેશોત્સવ દરમિયાન મહાનુભાવોને સારી સ્કૂલોમાં લઇ જવા’, શિક્ષણ વિભાગનો વિચિત્ર પરિપત્ર