મુંબઈ: શિવસેનાના સીનિયર નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતના પત્ની વર્ષા રાઉતને ઈડીએ નોટિસ ફટકારી છે. આ નોટિસ પીએમસી બેંક કૌભાંડની તપાસને લઈને મોકલવામાં આવી છે. સંજય રાઉતના પત્ની વર્ષા રાઉતને 29 ડિસેમ્બરે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.

સૂત્રો મુજબ, સંજય રાઉતના નજીકના પ્રવીણ રાઉતની કેટલાક દિવસો પહેલા ઈડીએ ધરપકડ કરી હતી. પ્રવીણ રાઉતના એકાઉન્ટમાંથી કોઈ પ્રકારનું ટ્રાન્ઝેક્શન વર્ષા રાઉતના એકાઉન્ટમા થયું છે. ઈડી જાણવા માંગે છે કે આ ટ્રાન્ઝેક્શન કેમ થયું અને તેની પાછળનું કારણ શું છે. સમગ્ર જાણકારી મેળવવા માટે વર્ષા રાઉતને નોટિસ મોકલવામાં આવી છે.

સંજય રાઉતના રાજ્યસભા ચૂંટણી માટે જે એફિડેવિટ આપ્યું હતું, તેમાં પણ આ વાતનો ઉલ્લેખ છે કે પ્રવીણ રાઉતના એકાઉન્ટમાંથી વર્ષા રાઉતના એકાઉન્ટમાં કેટલાક પૈસા લોન માટે લેવામાં આવ્યા છે. ઈડી આજ લેવડ-દેવડ વિશે જાણવા માંગે છે.

ગત વર્ષે PMC બેન્કમાં કૌભાંડની વાત સામે આવી હતી. બેન્કે નિયમોને નેવે મૂકીને HDILને મોટી લોન આપી હતી. બાદમાં RBIએ બેન્ક મેનેજમેન્ટને હટાવીને પોતાનો એડમિનિસ્ટ્રેટર નિયુક્ત કર્યો હતો. કૌભાંડ બહાર આવ્યા પછી હજારો ગ્રાહકો પોતાના પૈસા પરત મળે તેની રાહ જોઈ રહ્યા છે.