નવી દિલ્હીઃ હવામાનના પ્રતિકૂળ પરિબળોને કારણે નૈઋત્યના ચોમાસું આગળ વધતું અટકી ગયું છે. હવે મધ્ય, પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ ભારતમાં ચોમાસું 1 જુલાઈ પછી આગળ વધે તેવી સંભાવના છે. ભારતીય હવામાન વિભાગે એક બુલેટિનમાં જણાવ્યું હતું કે, રાજધાની દિલ્હીમાં ચોમાસું વિલંબિત થઈ શકે છે.


હવામાન વિભાગે જણાવ્યું હતું કે, 30મી જૂનની આસપાસ બંગાળના અખાતમાં હવાનું હળવું દબાણ સર્જાશે. ત્યારબાદ ચોમાસું આગળ વધવાના અનુકૂળ સંજોગોનું નિર્માણ થશે અને ચોમાસું મધ્ય, પશ્ચિમ અને ઉત્તરપશ્ચિમ ભારતમાં આગળ વધશે. સ્કાયમેટના હવામાનશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર દિલ્હીમાં ચોમાસાનો પ્રારંભ 7મી જુલાઈ બાદ થઈ શકે છે.



ભારતીય હવામાન વિભાગના રાષ્ટ્રીય હવામાન આગાહી કેન્દ્રના વડા કે સાથી દેવીએ જણાવ્યું હતું કે, બંગાળના અખાતમાં હવાનું હળવું દબાણ સર્જાવા જઈ રહ્યું છે ત્યારબાદ જ ભારતમાં ચોમાસું ઉત્તર તરફ આગળ વધશે. જોકે હવામાન વિભાગ દ્વારા પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.

સ્કાયમેટ વેધરના વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પલાવતે જણાવ્યું હતું કે, આગામી 4 દિવસ ચોમાસું આગળ વધવાની કોઈ સંભાવના નથી. ઉત્તરપશ્ચિમ અને પૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારો કોરાધાકોર રહેશે.