પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે ઇન્ડિયન એરફોર્સને મળશે આઠ લડાકુ હેલિકોપ્ટર, જાણો તાકાત
abpasmita.in | 02 Sep 2019 07:34 PM (IST)
આવતીકાલે આઠ અમેરિકન અપાચે એએચ-64ઇ એટેક હેલિકોપ્ટર એરફોર્સમાં સામેલ થશે
નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલમાં તણાવ ભરી સ્થિતિ છે. આ વચ્ચે ઇન્ડિયન એરફોર્સની તાકાતમાં વધારો થવા જઇ રહ્યો છે. આવતીકાલે આઠ અમેરિકન અપાચે એએચ-64ઇ એટેક હેલિકોપ્ટર એરફોર્સમાં સામેલ થશે. એર ચીફ માર્શલ બી.એસ ધનોઆ પઠાણકોટ એરફોર્સ સ્ટેશનમાં આયોજીત કાર્યક્રમમાં મુખ્ય અતિથિ રહેશે. અપાચે એએચ-64ઇ દુનિયાના સૌથી આધુનિક લડાકુ હેલિકોપ્ટર છે અને અમેરિકન સૈન્ય તેનો ઉપયોગ કરી રહી છે. ઇન્ડિયન એરફોર્સના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, આઠ અપાચે હેલિકોપ્ટર ઇન્ડિયન એરફોર્સમાં સામેલ કરાશે. જેનાથી એરફોર્સની તાકાતમાં વધારો થશે. ઇન્ડિયન એરફોર્સે અપાચે હેલિકોપ્ટર માટે અમેરિકન સરકાર અને બોઇંગ લિમિટેડ સાથે સપ્ટેમ્બર 2015માં અનેક અબજ ડોલરના કરાર કર્યા હતા. જે હેઠળ બોઇંગે27 જૂલાઇના રોજ 22 હેલિકોપ્ટમાંથી પ્રથમ ચાર હેલિકોપ્ટર આપ્યા હતા. કરાર થયાના ચાર વર્ષ બાદ હિંડન એરબેઝમાં અપાચે હેલિકોપ્ટરોના પ્રથમ જથ્થો સોંપવામાં આવ્યો હતો. આ હેલિકોપ્ટરની કિંમત 4,168 કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. વર્ષ 2015માં ભારતે અમેરિકન સરકાર અને અમેરિકન વિમાન કંપની બોઇંગ સાથે 22 અપાચે હેલિકોપ્ટર ખરીદવા માટે લગભગ ત્રણ અબજ ડોલરનો કરાર કર્યો હતો. આ હેલિકોપ્ટરની ક્ષમતાની વાત કરવામાં આવે તો આ હેલિકોપ્ટર 293 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. તે સિવાય તે રાત્રે પણ ઉડાણ ભરી શકે છે. અપાચે હેલિકોપ્ટરમાં બે જનરલ ઈલેક્ટ્રિક T700 ટર્બોશેફ્ટ એન્જિન છે અને આગળની તરફ બે સેન્સર પણ ફીટ કરાયેલાં છે. જેના કારણે તે રાત્રે પણ ઉડાન ભરી શકે છે. હેલિકોપ્ટરથી અત્યાધુનિક મિસાઇલ ફાયર કરી શકાય છે.