મુંબઈ: 21 ઓક્ટોબરે ભાજપ છોડવાની જાહેરાત કરનારા વરિષ્ઠ નેતા એકનાથ ખડસે આજે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)માં સામેલ થયા છે. આ દરમિયાન એનસીપી સુપ્રીમો શરદ પવાર પણ હાજર રહ્યા હતા.

એનસીપીમાં સામેલ થયા બાદ એકનાથ ખડસેએ કહ્યું કે જો ભાજપ અમારી પાછળ ઈડી લગાવશે તો, અમે સીડી ચલાવશું.



એકનાથ ખડસેએ ગત દિવસોમાં જ કહ્યું હતું કે તેમણે ભાજપ છોડી એનસીપીમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે કારણ કે તેમને લાગી રહ્યું છે કે જ્યાં સુધી ભાજપમાં દેવેંદ્ર ફડણવીસ છે, તેમને ક્યારેય ન્યાય નહી મળે. તેમણે ફડણવીસ પર ગંદુ રાજકારણ કરવાનો પણ આરોપ લગાવ્યો છે.

ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા બાદ 2016માં તત્કાલિન ભાજપા સરકારમાં મંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ તેઓ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હતા. છેલ્લા થોડાક દિવસોથી તેઓ ભાજપ છોડ્યા બાદ શરદ પવાર સાથે ચર્ચામાં હોવાનું જાણવા મળી રહ્યુ હતું.
વરિષ્ઠ નેતાએ આરોપ લગાવ્યો કે સામાજિક કાર્યકર્તા અંજલી દમાનિયાએ તેમની વિરૂદ્ધમાં છેડતીની ફરિયાદ દાખલ કરી હતી અને પોલીસે ફડણવીસના આદેશ પર આ મામલે ફરિયાદ નોંધી હતી.

ખડસેએ આરોપ લગાવ્યો કે,ફડણવીસે સ્વીકાર કર્યો કે તેમણે પોતે દમાનિયાના આરોપોના આધાર પર સ્થાનિક પોલીસને મારી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવાનું કહ્યું હતું. હું મુંબઈમાં નહોતો, છતા મારી વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી. મે ભાજપના મારા ચાર દશકના સફરમાં ક્યારેય આવું ગંદુ રાજકારણ નથી જોયું.