ABP Network's Ideas of India : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ શિવસેના સાથે બગાવત, પાર્ટીના નામ, ચિન્હ અને બાળા સાહેબ ઠાકરેની વિચારધારાને લઈને ABP નેટવર્કના આઈડિયાઝ ઓફ ઈન્ડિયામાં પહેલીવાર ખુલીને પોતાના વિચારો રજુ કર્યા હતાં. આ દરમિયાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કેન્દ્રની ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભારોભાર વખાણ કર્યા હતાં તો ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા હતાં. 


એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર સાધ્યું નિશાન


ABP નેટવર્કના આઈડિયાઝ ઓફ ઈન્ડિયામાં વાતચીત કરતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે, અમે બાળાસાહેબ અને મોદીજીના નામ પર વોટ માંગ્યા હતા. લોકોએ અમને વોટ પણ આપ્યા, બહુમતી આપી, પરંતુ તમે (ઉદ્ધવ ઠાકરે) ખુરશીના લોભને કારણે એનસીપી-કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવી. ત્યાર બાદ તમે મૃતપ્રાય બની રહેલી NCP અને કોંગ્રેસને નવજીવન આપ્યું અને તમારી પાર્ટી પાછળ ધેકલાવવા લાગી. તેઓ અમને કેવી રીતે સહન કરી શકે? જ્યારે તમે અમને ગદ્દાર કહો છો પરંતુ 2019માં તમે જ સહયોગી ગઠબંધન ભાજપ સાથે દગો કર્યો હતો.


સત્તા મળ્યા બાદ શિવસેનાએ શું કહ્યું?


ચૂંટણી પંચ સાથે શિવસેનાની મુલાકાત પર એકનાથ શિંદેએ કહ્યું હતું કે, હું કોઈને નિયંત્રિત કરતો નથી. લોકશાહીમાં લોકો જ સર્વસ્વ છે. જ્યારે નિર્ણય લોકોની તરફેણમાં આવે છે ત્યારે તેઓ કહે છે કે ચૂંટણી પંચ સારું છે, જ્યારે નિર્ણય વિરુદ્ધ છે ત્યારે તેઓ કહે છે કે ચૂંટણી પંચ ખરાબ છે. આપણે આમ ના કહી શકીએ. અમે એવું નથી કહેતા જે નિર્ણય આવે તે અમે સ્વીકારીએ છીએ. અમે કોઈની સંપત્તિ છીનવી નથી લીધી. તેમણે બાળાસાહેબના વિચારોનો ત્યાગ કર્યો હતો અને અમે એ વિચારોને વળગી રહ્યા. બાળાસાહેબની વિચારધારા તેમના વારસાને આગળ ધપાવવા માટે પૂરતી છે. અમને પાર્ટીના ચિન્હ અને નામની જરૂર નથી. અમે પાર્ટીના ખાતાને હાથ પણ નહીં લગાવીએ. અમારે તેની જરૂર પણ નથી.


અગાઉની સરકારમાં અહંકારની સમસ્યા હતી : શિંદે


અગાઉની સરકાર કહેતી હતી કે, કેન્દ્ર મદદ નથી કરતી જ્યારે એકનાથ શિંદે આવ્યા ત્યારે અનેક પ્રોજેક્ટ શરૂ થયા, આ કેવી રીતે થયું? તેનો જવાબ આપતા સીએમ શિંદેએ કહ્યું હતું કે, અગાઉની સરકારમાં અહંકારની સમસ્યા હતી. જો તમે કેન્દ્ર પાસેથી પૈસા માંગવા હોય તો તેમની પાસે જવુ પડે. અને ત્યાં જશો તો જ તેઓ તમને પૈસા આપશે. તેઓ તમને તમારા ઘરે આવીને પૈસા નહીં આપે.


મહારાષ્ટ્ર દેશનું ગ્રોથ એન્જિન : શિંદે


મહારાષ્ટ્રને લઈને તમારો આઈડિયા ઓફ ઈન્ડિયા શું છે? તેના પર સીએમ શિંદેએ કહ્યું હતું કે, મહારાષ્ટ્ર દેશનું ગ્રોથ એન્જિન છે. અત્યારે ડબલ એન્જિનની સરકાર છે એટલે કામ ઝડપભેર ચાલી રહ્યું છે. મહારાષ્ટ્ર પ્રગતિ કરશે તો દેશ પણ આગળ વધશે. અમે પાંચ ટ્રિલિયન અર્થતંત્ર બનાવવાના પીએમ મોદીના આહ્વાન પર કામ કરી રહ્યા છીએ. કેન્દ્ર સરકાર તરફથી અમને ઘણો સહયોગ મળી રહ્યો છે.


હું માત્ર એક કાર્યકર છું : શિંદે


તમને રાજનીતિના બાદશાહ કહેવામાં આવે છે, જેના પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું હતું કે, હું રાજા નથી, હું માત્ર એક કાર્યકર છું. સીએમ બન્યા પછી પણ હું કાર્યકર તરીકે કામ કરું છું અને આવતીકાલે પણ રહીશ. મેં મારી કામ કરવાની પદ્ધતિ પહેલાની જેમ જ રાખી છે. જો હું મારો રસ્તો બદલીશ તો લોકો કહેશે કે હું ગઈકાલ સુધી સારું કરતો હતો, પરંતુ સીએમ બન્યા પછી બદલાઈ ગયો.


એબીપીના મંચ પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે


એબીપી નેટવર્કના આઈડિયાઝ ઓફ ઈન્ડિયા 2023 કાર્યક્રમમાં મહેમાન તરીકે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ હાજર રહ્યાં હતાં. અહીં તેમણે ખુલીને પોતાના વિચારો રજુ કર્યા હતાં.