નવી દિલ્હીઃ આ મહીને મોનસૂન પહેલા કરતાં સારું રહે તેવી શક્યતા છે. તેનું કારણ છે અલ નીનોની અસર ઓછી થવાનું છે. અમેરિકન હવામાન એજન્સી અનુસાર આગામી એક કે બે મહિનામાં અલ નિનોની અસર ખતમ થતા ભારતમાં ચોમાસું જોર પકડશે.




જ્યારે પેસિફિક સમુદ્રની સપાટીનું તાપમાન વધે ત્યારે ભારતમાં ચોમાસુ નબળુ પડે છે. ભારતના હવામાન ખાતાના અધિકારીઓએ જણાવ્યું કે જૂન મહિનામાં અલ નિનોની સ્પષ્ટ અસર ચોમાસા પર વર્તાઈ હતી. એટલે જ આ વર્ષે જૂનમાં 33 ટકા ઓછો વરસાદ પડ્યો છે.

ક્લાઈમેટ પ્રેડિક્શન સેન્ટર (સીપીસી) અને યુએસની બીજી રાષ્ટ્રીય એજન્સીઓના લેટેસ્ટ અપડેટ મુજબ છેલ્લા એક મહિનામાં અલ નિનો નાટકીય રીતે નબળુ પડી ગયુ છે. અપડેટમાં જણાવાયુ છે, “આગામી એક બે મહિનામાં પરિસ્થિતિ અલ નિનોથી એન્સો-ન્યુટ્રલમાં પરિવર્તિત થશે. આ સ્થિતિ શિયાળા સુધી પ્રવર્તતશે.”



IMD (ભારતીય હવામાન ખાતુ)ના અધિકારીઓએ જણઆવ્યું કે ચોમાસા પર અલ નિનોની અસર ખતમ થઈ રહી છે. IMDના ચોમાસાની આગાહીના હેડ ડી.શિવાનંદ પઈએ જણાવ્યું, “આ ચોમાસા માટે સારા સમાચાર છે. અલ નિનોની અસર એકદમ ખતમ નહિ થાય પણ હવેથી નબળી પડતી જશે.” જો કે આ કારણે આ વર્ષે બહુ સારા ચોમાસાની ખાતરી નથી પણ તેનો અર્થ એવો ચોક્કસ થાય કે વૈશ્વિક પરિસ્થિતિ ભારતમાં સારા વરસાદને અટકાવી શકશે નહિ.