નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ ટિકિટ બુકિંગ સાથે ટિકિટ કેન્સલ કરવાની પણ મોટી કમાણી કરી છે. આ ખુલાસો આરટીઆઇ હેઠળ મળેલી જાણકારીથી થયો છે. આરટીઆઇ હેઠળ મળેલી જાણકારી અનુસાર, ભારતીય રેલવેએ નાણાકીય વર્ષ 208-19માં ટિકિટ કેન્સલ કરવાથી 1536.85 કરોડ રૂપિયાની કમાણી કરી છે. તે સિવાય આરટીઆઇ કાર્યકર્તાએ રેલવે પાસે જાણકારી માંગી હતી કે શું રેલવે ટિકિટ કેન્સર કરવાના બદલામાં મુસાફરો પાસેથી વસૂલવામાં આવતા ચાર્જને ઓછો કરવા પર વિચાર કરી રહ્યું છે. રેલવેએ તેના આ સવાલનો અત્યાર સુધી કોઇ જવાબ આપ્યો નથી.


મધ્યપ્રદેશના નીમચ નિવાસી આરટીઆઇ કાર્યકર્તા ચંદ્રશેખર ગૌડે શુક્રવારે જાણકારી આપી હતી કે તેમને રેલવે મંત્રાલયના રેલવે સૂચના સિસ્ટમ કેન્દ્રથી અલગ અલગ અરજીઓ પર આ જાણકારી મળી હતી. આરટીઆઇ અરજીમાં પૂછાયેલા સવાલોના જવાબ અનુસાર, રેલવેએ અનામત ટિકિટોને રદ કરવાના બદલામાં 1518.62 કરોડ રૂપિયાની કમાણી કરી છે. અનરિઝર્વ ટિકિટિંગ સિસ્ટમ હેઠળ બુક મુસાફરોની ટિકિટો રદ કરવાના કારણે 18.23 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ગૌડે પોતાની આરટીઆઇ અરજીમા રેલવેને એમ પણ પૂછ્યું હતું કે, શું ટિકિટ રદ કરવાના બદલામાં મુસાફરો પાસેથી વસૂલવામાં આવેલો ચાર્જ ઘટાડવાનો કોઇ પ્રસ્તાવ છે જેના જવાબમાં રેલવેએ આરટીઆઇ કાર્યકર્તાને રાહ જોવાનું કહેવામાં આવ્યું છે.