નવી દિલ્હીઃ ચૂંટણી પંચે રવિવારે સામાન્ય ચૂંટણી 2019 માટે તારીખોની જાહેરાત થઈ ગઈ છે. ચૂંટણી પંચ અનુસાર લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થશે. પ્રથમ તબક્કા માટે 11 એપ્રિલે મતદાન થશે જ્યારે અંતિમ તબક્કા માટે 19 મેના રોજ મતદાન થશે. તમામ તબક્કાનું પરિણામ એક સાથે 23 મેના રોજ આવશે. તેની સાથે જ ચૂંટણી પંચ અનુસાર કેટલાક ખાસ નિર્દેશ આપવામાં આવ્યા છે. આ ચૂંટણીમાં નવું શું હશે? જાણો ચૂંટણી પંચે જાહેર કરેલી કેટલીક મુખ્ય બાબતો...

- EVMમાં આ વખતે ઉમેદવારનો ફોટો જોવા મળશે, તમામ મતદાન કેન્દ્રો પર VVPATનો ઉપયોગ થશે. લોકસભાની ચૂંટણીમાં 1.5 કરોડ યુવાનો પ્રથમ વાર વોટ આપશે.

- ચૂંટણીમાં 90 કરોડ લોકો મતાધિકારાનો ઉપયોગ કરશે.

- તમે 590 નંબર ડાયલ કરીને SMS દ્વારા વૉટિંગ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરી શકશો.

- લોકસભાની ચૂંટણીમાં કુલ મળીને 10 લાખ બૂથ પર વોટિંગ યોજાશે.

- તમામ સંવેદનશીલ મતદાન મથકો પર સીસીટીવી કેમેરા લગાડવામાં આવશે, તમામ મોટી ઘટનાઓની વીડિયોગ્રાફી થશે.

- EVM GPS દ્વારા ટ્રેક કરાશે. તમામ વિસ્તારોમાં CRPFને બંદોબસ્તમાં મૂકાશે.

- રવિવારથી દેશમાં આદર્શ આચર સંહિતા લાગુ થઈ ગઈ છે, લાઉડ સ્પીકરના ઉપયોગ પર નજર રાખવામાં આવશે અને તેના ઉપયોગની સમય મર્યાદા નક્કી કરાશે.

- સોશિયલ મીડિયા પર પ્રચાર કરતા પહેલાં રાજકીય પક્ષોએ પરવાનગી લેવી પડશે. આ સાથે સોશિયલ મીડિયાના પ્રચારના ખર્ચની માહિતી પણ ચૂંટણી ખર્ચમાં જોડવાની રહેશે. પેડ ન્યૂઝ પર નજર રાખવા માટે સમિતિનું નિર્માણ થશે.

- ફેસબૂક, ટ્વીટર, યૂટ્યૂબ પર રાજકીય જાહેરાતોની જાણકારી એકઠી કરાશે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફરિયાદ કરી શકાશે તેના માટે અધિકારી મૂકાશે.

- મતદારોને મતદાન કરવા માટેના ઓળખપત્રો માટે 11 વિલ્પો આપવામાં આવ્યા છે.