નવી દિલ્હીઃ ચૂંટણી પંચ આજે પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમની સાથે સાથે તેલંગણાની વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમોની જાહેરાત કરી શકે છે. ચૂંટણી પંચ આજે બપોરે સાડા 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ સંબોધી શકે છે.
નોંધનીય છે તે તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે સમય કરતા અગાઉ વિધાનસભા ભંગ કરી દીધી હતી. ત્યારબાદ ત્યાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવામાં આવી રહી છે. તેલંગણામાં આગામી વર્ષે ચૂંટણી યોજાવાની હતી.
આગામી વર્ષે યોજાનારી લોકસભા ચૂંટણી અગાઉ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી મહત્વની માનવામાં આવી રહી છે. આ ચૂંટણીના પરિણામોની અસર 2019 લોકસભાની ચૂંટણી પર થઇ શકે છે. હાલમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં બીજેપીની સરકાર છે. મિઝોરમમાં કોગ્રેસની સરકાર છે જ્યારે તેલંગણામાં તેલંગણા રાષ્ટ્ર સમિતિની સરકાર છે.