ઉત્તર કાશ્મીરના બારામુલા (Baramulla)જિલ્લામાં સ્થિત  પટ્ટનના યેદીપોરા ગામમાં શુક્રવારે (30 સપ્ટેમ્બર) એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બે આતંકવાદીઓ જિલ્લામાં આર્મીની અગ્નિવીર ભરતી(Agniveer Recruitment)  રેલી પર હુમલાની યોજના બનાવી રહ્યા હતા. ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે આજે સવારે એન્કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું હતું, જે લગભગ 10 કલાક સુધી ચાલ્યું હતું. બારામુલ્લાના વરિષ્ઠ પોલીસ અધિક્ષક રઈસ ભટે(Rayees Bhat) જણાવ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓ જિલ્લાના સેક્ટર 10માં હૈદરબેગ હેડક્વાર્ટરમાં ચાલી રહેલી સેનાની ભરતી રેલી પર હુમલો કરવા આવ્યા હતા.


 






વરિષ્ઠ પોલીસ અધિક્ષક રઈસ ભટે જણાવ્યું હતું કે ચોક્કસ બાતમીના આધારે ગામમાં સંયુક્ત કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન છુપાયેલા આતંકવાદીઓ સાથે પણ સંપર્ક સ્થાપિત કરવામાં આવ્યો હતો. માર્યા ગયેલા બે આતંકવાદીઓ વિશેની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ અગ્નિવીર ભરતી રેલી પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે માર્યા ગયેલા આતંકવાદીઓ જૈશ-એ-મોહમ્મદ સંગઠનના હતા અને તેમની ઓળખની ખાતરી કરવામાં આવી રહી છે.


એન્કાઉન્ટર સ્થળ પરથી એક AK-74U, AK-47નું નવું સંસ્કરણ મળ્યું હતું. આ સાથે એક એકે રાઈફલ, 3 મેગેઝીન, પિસ્તોલ સાથે મેગેઝીન અને 2 ગોળીઓ પણ મળી આવી છે. આ પ્રથમ એન્કાઉન્ટર નથી.  તમને જણાવી દઈએ કે મંગળવારે (27 સપ્ટેમ્બર) કુલગામના અહવાતુ વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા જૈશ-એ-મોહમ્મદના બે આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા.