WHO દ્વારા માન્યતા અપાતાં ભારત પણ ફાઈઝરની રસીને માન્યતા આપી શકે છે પણ ભારતીયોને તેનાથી બહુ ફાયદો નહીં થાય કેમ કે ફાઈઝરની આ રસી બહુ મોંઘી છે. અમેરિકન કંપની દ્વારા બનાવાયેલી આ રસી ભારત લાવવામાં બહુ વધારે ખર્ચ થાય તેમ હોવાથી બહુમતી ભારતીયોને આ રસી પરવડે તેમ નથી. આ રસી અત્યારે અમેરિકા તથા યુરોપના દેશોમાં અપાઈ રહી હોવાથી ભારત માટે મોટા પ્રમાણમાં રસી ઉપલબ્ધ પણ થાય તેમ નથી.
ફાઈઝરની રસીને મંજૂરી આપ્યા બાદ WHOએ જણાવ્યું હતું કે, વિશ્વભરમાં આવેલ WHOની રીજિયોનલ ઓફિસ હવે રસીના ફાયદાઓ વિશે જે તે દેશો સાથે વાત કરશે. WHOની મંજૂરી મળ્યા બાદ હવે વિશ્વભરના દેશોમાં ફાઇઝરની કોરોના રસીના ઉપયોગ માટે માર્ગ ખૂલી ગયો છે.
WHO એ ફાઈઝરની કોરોના વેક્સીનને મંજૂરી આપ્યા પછી ગરીબ દેશો સુધી કોરોના વેક્સીન ઝડપથી પહોંચે એ માટે ઇમરજન્સી યુઝ લિસ્ટિંગ પ્રોસેસ પણ શરૂ કરી દીધી છે. WHOએ ફાઈઝર રસીની સમીક્ષા કર્યા પછી કહ્યું કે આ રસી સુરક્ષા અને અસરકારકતાના માપદંડને પૂર્ણ કરે એ જરૂરી છે. આ રસીના બે ડોઝ લીધા પછી કોરોનાથી મૃત્યુની સંભાવના ઓછી થઇ જાય છે. WHOએ કહ્યું કે અમે આ રસીને વહેલી મંજૂરી આપી દીધી છે કારણ કે તેના ડોઝને બધા લોકો સુધી પહોંચવામાં કોઈ વિલંબ ના થાય.