અલ્હાબાદ હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતી વખતે ટિપ્પણી કરી છે કે ભારતમાં લોકો પોતાનો ધર્મ પસંદ કરવા અને બદલવા માટે સ્વતંત્ર છે, જો કે, આવા ફેરફારો માટે કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરવું જરૂરી છે. જસ્ટિસ પ્રશાંત કુમારની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે વ્યક્તિની ધર્મ પરિવર્તનની ઇચ્છાના વિશ્વસનીય પુરાવા હોવા જોઈએ, ત્યારબાદ આવી ઈચ્છાને પૂર્ણ કરવા માટે સ્પષ્ટ પ્રત્યક્ષ કાર્યવાહી કરવી જરૂરી છે.


હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે માત્ર મૌખિક કે લેખિત ઘોષણાથી ધર્મ પરિવર્તન થતું નથી. આ માટે વિશ્વસનીય પુરાવા હોવા જોઈએ. ધર્મ પરિવર્તન માન્ય હોવો જોઈએ, જેથી તે સરકારી ઓળખ કાર્ડમાં નોંધી શકાય. કોર્ટે કહ્યું છે કે એક એફિડેવિટ તૈયાર કરવામાં આવે અને વધુ વેચાતા અખબારમાં જાહેરાત આપવામાં આવે જેથી લોકો વાંધો ઉઠાવી શકે. કોઈ છેતરપિંડી અથવા ગેરકાયદેસર ફેરફારો ન હોવા જોઈએ. અખબારમાં નામ, ઉંમર અને સરનામું સ્પષ્ટપણે દર્શાવવું જોઈએ, જે તપાસથી સંતુષ્ટ થયા પછી ગેઝેટમાં પ્રકાશિત કરવું જોઈએ. એડિશનલ સરકારી એડવોકેટે કોર્ટ પાસે ચકાસવા માટે સમય માંગ્યો હતો કે શું ધર્મ પરિવર્તન લગ્ન માટે કરવામા આવ્યું કે વૈધાનિક પ્રક્રિયાને અનુસરીને પોતાની મરજીથી કરવામાં આવ્યું હતું. અરજીની આગામી સુનાવણી 6 મેના રોજ થશે. જસ્ટિસ પ્રશાંત કુમારે સોનુ ઉર્ફે વારિસ અલી અને અન્ય બે લોકોની અરજી પર સુનાવણી કરતા આ આદેશ આપ્યો છે.


વાસ્તવમાં અરજદારે ફરિયાદીની સગીર પુત્રી સાથે લગ્ન કર્યા હતા, જેનાથી એક છોકરીનો જન્મ થયો હતો. બંને સાથે રહે છે. અરજદારનું કહેવું છે કે તેણે પોતાની મરજીથી પોતાનો ધર્મ બદલ્યો છે. કોર્ટે કહ્યું કે ધર્મ પરિવર્તન કાયદેસર હોવું જોઈએ, જેથી દેશભરના તમામ સરકારી ઓળખ કાર્ડ પર નવો ધર્મ દેખાય. કોર્ટે અરજદાર વારિસ અલી જેનો ધર્મ મુસ્લિમ છે અને તેની પત્ની અંજની જેનો ધર્મ હિંદુ છે. અરજદાર વિરુદ્ધ કલમ 363, 366, 366A, 504, 376 અને આઇપીસી અને 7/8 અને ¾ પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલ 2016ની FIR રદ કરવાની માંગ કરવામાં આવી હતી.


કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી હતી કે છોકરી (કથિત પીડિતા) એ પોતાનો ધર્મ પરિવર્તન કર્યા પછી (હિંદુમાંથી મુસ્લિમ) સ્વેચ્છાએ અરજદાર વારિસ અલી સાથે લગ્ન કર્યા હતા અને કલમ 164 સીઆરપીસી હેઠળ નોંધાયેલા નિવેદનમાં તેણીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે તેણે એક છોકરીને જન્મ આપ્યો છે અને બાળકનો પિતા વારિસ અલી છે. કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે અરજદાર વારિસ અલીએ કોઈ કથિત ગુનો કર્યો નથી.


આ કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે ભારતમાં કોઈપણ વ્યક્તિ પોતાનો ધર્મ બદલી શકે છે, પરંતુ માત્ર મૌખિક અથવા લેખિત ઘોષણા કરવાથી ધર્મ પરિવર્તન થતું નથી. કોર્ટે રાજ્ય વતી હાજર રહેલા એડવોકેટને ચકાસવા માટે આદેશ આપ્યો હતો કે આ પ્રકારનું ધર્મ પરિવર્તન કાનૂની અડચણોને દૂર કરવા અથવા કોઈ દબાણ કે લાલચમાં તો નથી થયું અને એ પણ તપાસ કરવામાં આવે કે શું ધર્મ પરિવર્તન માત્ર લગ્ન માટે જ નથી કરવામાં આવ્યું. આ કેસની આગામી સુનાવણી હવે 6 મેના રોજ થશે.