નવી દિલ્હીઃ જામિયા અને શાહીન બાગમાં એક મહિનાથી વધુ સમયથી નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે. દિલ્હીના પૂર્વ ઉપરાજ્યપાલ નજીબ જંગ પણ સોમવારે જામિયા પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદામાં મુસ્લિમોને સામેલ કરવા જોઇએ નહી તો અન્ય ધર્મના લોકોને પણ હટાવવા જોઇએ. જંગે કહ્યું કે મને લાગે છે કે સીએએમાં સુધારાની જરૂર છે. આ કાયદામાં મુસ્લિમોને સામેલ કરવા જોઇએ અથવા તો અન્યને પણ સામેલ કરવા જોઇએ. જો વડાપ્રધાન એ લોકોને બોલાવે છે અને વાતો કરે છે તો આ મુદ્દો ઉકેલાઇ જશે.


જંગે કહ્યું કે, જ્યારે વાત થશે ત્યારે ઉકેલ આવશે. જો આપણે વાત જ નહી કરીએ તો ઉકેલ કેવી રીતે આવશે. આ પ્રદર્શન ક્યાં સુધી ચાલશે. અર્થવ્યવસ્થા પર સંકટ છે. દુકાનો બંધ છે. નુકસાન જ નુકસાન થઇ રહ્યું છે. નોંધનીય છે કે નાગરિકતા કાયદાના વિરોધમાં દિલ્હીમાં અલગ અલગ ક્ષેત્રોમાં હિંસા થઇ હતી. જામિયાની આસપાસ પણ હિંસક પ્રદર્શનો થયા હતા.


જામિયા યુનિવર્સિટીના સેમેસ્ટર એક્ઝામ પણ રદ થઇ ગયા છે અને હજુ સુધી નવી તારીખની જાહેરાત થઈ નથી. બીજી તરફ શાહીન બાગમાં મહિલાઓ ધરણા પ્રદર્શન કરી રહી છે.