નવી દિલ્હી: CBIએ મારૂતિના પૂર્વ એમડી જગદીશ ખટ્ટર સામે 110 કરોડની લોન ઠગાઈ કેસમાં ફરિયાદ નોંધી છે. જગદીશ ખટ્ટર હાલમાં કારનેશન ઓટો ઈન્ડિયા કંપનીના ડાયરેક્ટર છે. સીબીઆઈએ પંજાબ નેશનલ બેન્કની ફરિયાદના આધારે ગુનાહિત ષડયંત્ર અને નાણાંકીય છેતરપિંડીની ફરિયાદ નોંધી હતી.


ફરિયાદમાં સીબીઆઈનો એવો આરોપ છે કે, જગદીશ ખટ્ટર અને અને તેમની કંપની કારનેશન ઓટો ઈન્ડિયા લિમિટેડે પંજાબ નેશનલ બેન્કને 110 કરોડનું નુકસાન પહોંચાડ્યું હતું. જેને લઈને સોમવારે મોડી સાંજે સીબીઆઈએ ખટ્ટર અને તેમની કંપનીના પરિસરમાં દરોડા પાડ્યા હતા.

સીબીઆઈના આરોપ પ્રમાણે, ખટ્ટર અને તેમની કંપનીએ મંજૂરી વગર બેન્ક પાસે ગીરવે રાખવામાં આવેલી સંપત્તિ વેચી મારી હતી અને આ રીતે વિશ્વાસઘાત કર્યો હતો જેના કારણે બેન્કને 110 કરોડનું નુકસાન થયું હતું. વેચાણ કરાર પણ બેન્કમાં જમા કરાવવામાં આવ્યો નહતો. ખટ્ટર અને તેમની કંપનીએ ગેરકાયદે અને ખોટી રીતે તેમની પેટા કંપનીઓને લોન અને એડવાન્સ રકમની લ્હાણી કરાવી હતી.

જગદીશ ખટ્ટરે નિવૃત્તિ બાદ કારનેશન કંપની સ્થાપવા માટે પંજાબ નેશનલ બેન્કમાંથી 170 કરોડ રૂપિયાની લોન લીધી હતી. 2015માં તેમની લોનને એનપીએ જાહેર કરી દેવામાં આવી હતી.