નવી દિલ્લીઃ ઉત્તર પ્રદેશ પૂર્વ મુખ્યમંત્રી અને મધ્યપ્રદેશના પૂર્વ રાજ્યપાલ રામનરેશ યાદવનું મંગળવારે લખનઉમાં પીજીઆઇ હૉસ્પિટલમાં નિધન થઇ ગયું હતું. 89 વર્ષના યાદવને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. રામનરેશ યાદવને થોડા દિવસ પહેલા હૉસ્પિટલમાં દાખલ કવામાં આવ્યા હતા. તેમની તબિયતમાં કોઇ પણ પ્રકારનો સુધારો થતો નહોતો.


રામનરેશ યાદવ 1977 માં જનતા દળની સરકારમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા હતા.અને લગભગ બે વર્ષ સુધી યૂપીના મુખ્યમંત્રી રહ્યા હતા. 2011 થી 2016 સુધી તે મધ્ય પ્રદેશના રાજ્યપાલ રહ્યા હતા. ગયા વર્ષે વ્યાપમ ગોટાળામાં તેમનું નામ આવ્યું હતું. STF એ આ મામલે રામનરેશ યાદવ વિરુદ્ધ FIR પણ દાખલ કરી હતી. વ્યાપમ કૌભાંડમાં યાદવનું નામ આવ્યા બાદ તેમના પુત્રની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી.

રામનરેશ યાદવનો જન્મ ઉત્તર પ્રદેશના આઝમગઢમાં થયો હતો. તેમના પિતા ટીચર હતા. યાદવે આઝમગઢ કોર્ટમાં વકીલ તરીકે પ્રેક્ટિસ પણ કરી હતી.