Delhi Excise Policy Case: દિલ્હીના લિકર પોલિસી કેસમાં કોર્ટે મનીષ સિસોદિયાને એક જ દિવસમાં બીજો આંચકો આપ્યો છે. કોર્ટે મનીષ સિસોદિયાને સાત દિવસના EDના રિમાન્ડ પર મોકલી આપ્યા છે. EDએ સિસોદિયાની 10 દિવસની કસ્ટડીની માંગ કરતી વખતે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, આ કૌભાંડ આબકારી નીતિના ડ્રાફ્ટિંગ સાથે શરૂ થયું હતું જે સિસોદિયા અને અન્ય લોકો દ્વારા આચરવામાં આવ્યું હતું. આ દરમિયાન સિસોદિયાના વકીલે EDનો જોરદાર વિરોધ કર્યો હતો પરંતુ કોર્ટે તેને ગ્રાહ્ય રાખ્યો નહોતો.


બીજી તરફ સીબીઆઈ દ્વારા કરાયેલી ધરપકડના કેસમાં જામીનની સુનાવણી 21મી માર્ચે થશે. દિલ્હીની એક્સાઇઝ પોલિસીમાં કથિત અનિયમિતતાના સંબંધમાં સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરીએ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ EDએ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં તિહાર જેલમાં સિસોદિયાની પૂછપરછ કરી હતી અને ગઈ કાલે ગુરુવારે 9 માર્ચે તેમની ધરપકડ કરી હતી.


EDએ કહ્યું હતું કે, AAP નેતા મનીષ સિસોદિયા વિરુદ્ધ સાક્ષીઓ અને અન્ય પુરાવા છે. સિસોદિયા મની લોન્ડરિંગ કેસ સાથે સંકળાયેલા જોડાણનો ભાગ હતા. EDએ વધુમાં દાવો કર્યો હતો કે, સિસોદિયાએ ફોનમાંથી અન્ય પુરાવાનો નાશ કર્યો હતો. ત્યાર પછી તેમણે કોઈ બીજા દ્વારા ખરીદેલા ફોનનો ઉપયોગ કર્યો હતો. સિસોદિયાએ એજન્સીને વારંવાર ખોટા નિવેદનો આપ્યા છે. આ સ્થિતિમાં સિસોદિયાએ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે અન્ય લોકોનો આમનો સામનો કરવો પડશે. તેના પર સિસોદિયાના વકીલે કહ્યું હતું કે, પોલિસી મેકિંગ એ એક્ઝિક્યુટિવનું કામ છે, જેમાં ઘણા તબક્કામાંથી પસાર થવું પડે છે.


EDએ શું કર્યો દાવો?


ઇડીએ કોર્ટમાં કહ્યું હતું કે, દારૂની નીતિમાં હોલસેલના વેપારીઓને ફાયદો કરાવીને ગેરકાયદેસર કમાણી કરવામાં આવી હતી. કેટલાક ખાનગી લોકોને હોલસેલનો ધંધો આપીને નિષ્ણાંત સમિતિના અભિપ્રાયને અવગણીને 12 ટકા પ્રોફિટ માર્જીન આપવામાં આવ્યું હતું, જે માત્ર 6 ટકા હોવું જોઈતું હતું. EDએ દાવો કર્યો છે કે તેની પાસે પુરાવા છે કે આ બધું સિસોદિયાના કહેવા પર કરવામાં આવ્યું હતું. દારૂના વેચાણ માટે લાયસન્સ આપવા માટે નક્કી કરાયેલી સિસ્ટમનો પણ ભંગ થતો હોવાનો આક્ષેપ કરાયો હતો. તેમાં પસંદગીના લોકોને લાભ મળ્યો હતો. સિસોદિયા કેસની તપાસમાં સહકાર ના આપી રહ્યા હોવાનું પણ એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું.


મનીષ સિસોદિયાના વકીલે શું કહ્યું?


AAPનેતા મનીષ સિસોદિયાના વકીલે કોર્ટને જણાવ્યું કે, એક્સાઇઝ પોલિસીને લેફ્ટનન્ટ ગવર્નર અને અન્ય લોકોએ મંજૂરી આપી હતી. મની લોન્ડરિંગ કેસમાં ED પોલિસી મેકિંગની તપાસ કેવી રીતે કરી શકે? તપાસ એજન્સીને સિસોદિયા વિરૂદ્ધ કંઈ મળ્યું નથી, આ કેસ સંપૂર્ણપણે અફવાઓ પર આધારિત છે.


તેમણે PMLA (પ્રિવેન્શન ઓફ મની-લોન્ડરિંગ એક્ટ)ને "અત્યંત કઠોર" ગણાવતા કહ્યું હતું કે, AAP નેતાની ધરપકડ તેમને જેલમાં રાખવા માટે કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં કોર્ટ દ્વારા આવી ધરપકડો સામે કડક વલણ અપનાવવાનો સમય આવી ગયો છે.