ભારત બાયોટેકની વેક્સિનનું ત્રીજા તબક્કાનું હાલ ટ્રાયલ ચાલી રહ્યું છે. હાલ ભારત બાયોટેકને ઈમરજંસી ઉપયોગ માટે મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે હવે આગામી 15 દિવસમાં રસીકરણ શરૂ થવાની શક્યતા છે. આ માટે આરોગ્ય મંત્રાલયે અને નેશનલ ટેક્નિકલ ગ્રુપે વેક્સિન માટે સંકલનની તૈયારી શરૂ કરી દીધી છે. આ વાત પ્રધાનમંત્રીના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર કે વિજય રાધને કહી છે. એબીપી સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે, રસીકરણ માટે સમગ્ર શેડ્યૂઅલ સ્વાસ્થ્ય મંત્રાલયે તૈયાર કરી લીધું છે. ક્યારે કોને રસી આપવી અને તેની શું પ્રક્રિયા હશે, એ તમામ તૈયારીઓ પૂરી થઈ ગઈ છે.

પ્રથમ તબક્કામાં દેશમાં કરાયેલા સર્વેમાં 30 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવશે. ત્યારબાદ અન્ય લોકોને વેક્સિન આપવામાં આવશે. જોકે વર્ષના અંત સુધીમાં જરૂરિયાત મંદ તમામ લોકો સુધી વેક્સિન પહોંચી જશે.

હાલ માત્ર બે વેક્સિનને જ ઇમરજંસી મંજૂરી મળી છે. જોકે વર્ષના અંત સુધીમાં હજુ ટ્રાયલમાં રહેલી અન્ય વેક્સિનો પણ ઉપલબ્ધ થઈ જશે. ત્યારે કોરોનાની સ્થિતિને પહોંચી વળવા તમામ લોકોને વેક્સિન મળતી થશે. ભારતમાં હાલ સ્વદેશી કોવેક્સિન અને કોવિશિલ્ડ વેક્સિન કોરોનાના નવા સ્ટ્રેન સામે પણ અસરકારક સાબિત થશે.