Coronavirus India: દેશમાં જીવલેણ કોરોના વાયરસની બીજી લહેર હવે ધીમી પડી રહી છે. દેશમાં વિતેલા 24 કલાકમાં 196427 નવા કેસ આવ્યા જે 13 એપ્રિલ 2021 બાદ સૌથી ઓછા છે. પરંતુ સૌથી વધારે રાહત આપતા સમાચાર નથી કારણ કે દેશમાં હજુ પણ રોજના મોતના આંકડા 3500થી વધારે આવી રહ્યા છે. દેશમાં અત્યાર સુધી કોરોનાથી 3,07,231 લોકોના મોત થયા છે.
માર્ચ બાદથી 1.40 લાખ લોકોના મોત
દેશમાં બીજી લહેરના કહેરનો અંદાજ એ વાતથી લગાવી શકાય કે બીજી લહેરમાં દોઢ લાખ લોકોના મોત થયા છે. ફેબ્રુઆરી 2021ના બીજા સપ્તાહથી કોરોનાના કેસ વધવા લાગ્યા હતા. ત્યારે દેશમાં કોરોનાના દરરોજના નવા કેસ 10000 આસપાસ આવી રહ્યા હતા. પરંતુ બાદમાં નવા કેસ એટલી ઝડપથી વધ્યા કે માર્ચ 2021 બાદ દેશમાં 1.4 લાખ લોકોના મોત થયા અને નવા કેસની સંખઅયા 4 લાખને પાર કરી ગઈ.
મોતના મામલે ભારત ત્રીજા નંબરે
વિશ્વમાં સૌથી વધારે મોતના મામલે ભારત ત્રીજા નંબર પર છે. આ યાદીમાં પ્રથમ નંબર પર વિશ્વનો સૌથી પાવરફુલ દેશ અમેરિકા છે. જ્યારે બીજા નંબર પર બ્રાઝીલ છે. ભારના કુલ કોરોનાના કેસ વિશ્વના કુલ કોરોનાના કેસના 16 ટકા છે, જ્યારે વિશ્વની તુલનામાં કુલ મોતમાં 9 ટકા હિસ્સો ભારતનો છે.
ક્યાં કેટલા મોત
અમેરિકા - 5 લાખ 84 હજાર 153
બ્રાઝીલ - 4 લાખ 48 હજાર 208
ભારત - 3 લાખ 7 હજાર 231
મેક્સિકો - 2 લાખ 21 હજાર 597
યૂકે - 1 લાખ 27 હજાર 716
દેશના આ ત્રણ રાજ્યમાં થયા સૌથી વધારે મોત
ભારતમાં માત્ર મે મહિનામાં જ 92 હજારથી વધારે લોકોના મોત થયા. જ્યારે એપ્રિલમાં અંદાજે 46000 મોત થયા હતા. પરંતુ ધ્યાન આપનારી વાત એ છે કે રવિવારના આંકડા અનુસાર મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં સૌથી વધારે 1320 મોત થયા, પરંતુ તેમાંથી 726 મોત બે સપ્તાહ જૂના હતા. મહારાષ્ટ્ર બાદ સૌથી વધારે મોત કર્ણાટક અને તમિલનાડુમાં થઈ રહ્યા છે.
18 દિવસોથી કોરોનાના કેસ સતત ઘટ્યા
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, ભારતમાં વિતેલા 18 દિવસથી કોરોનાના કેસ ઘટી રહ્યા છે. 18 દિવસ પહેલા 3 લાખથી ઓછા કેસ આવી રહ્યા છે. રિકવરી રેટ પણ વધતો જોવા મળી રહ્યો છે. એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે.