નવી દિલ્હીઃ પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસના અવસર પર લાલ કિલ્લા પરથી દેશવાસીઓને સંબોધિત કરતાં ચીફ ઓફ ડિફેન્સ બનાવવાની જાહેરાત કરી. તેમણે કહ્યું કે, આ પદની રચના કર્યા બાદ ત્રણેય સેનાઓના સ્તર પર એક પ્રભાવી નેતૃત્વ મળશે. આ પદની ઘણાં લાંબા સમયથી માગ ઉઠી રહી હતી. આવો જાણીએ શું છે ચીફ ઓફ ડિફેન્સ અને ક્યારે ઉઠી હતી તેની માગ.


1999માં થયેલા કારગિલ યુદ્ધની તત્કાલીન ડેપ્યુટી પીએમ લાલ કૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં બનાવેલ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સએ (GOM) સમીક્ષા કરી હતી. ત્યારે સામે આવ્યું હતું કે ત્રણેય સેના વચ્ચે સમન્વય ઓછો હોવાને કારણે દેશનુ નુકશાન જઈ રહ્યું છે. તેથી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ પદ બનાવવાની સલાહ આપવામાં આવી હતી. જોકે તે સમયે સેનાનાં કેટલાક અધિકારીઓએ મોટા સવાલો ઉભા કર્યાં હતાં.

બાદમાં ચીફ ઓફ સ્ટાફ કમિટીનું પદન બનાવવામાં આવ્યું. જોકે Chiefs of Staff Committee(CoSC)નાં ચેરમેનની પાસે કોઇ શક્તિ ન હતી. તેઓ માત્ર ત્રણેય સેનાઓ વચ્ચે તાલમેલ બેસાડતા હતાં. હાલ એર ચીફ માર્શલ બીએસ ધનોઆ ચીફ ઓફ સ્ટાફ કમેટીનાં ચેરમેન છે. જે બાદ ચીફ ઓફ ડિફેન્સનું સ્થાયી પદ બનાવવાની માંગ ઉઠી હતી.

મહત્વનું છે કે ચીફ ઓફ સ્ટાફ કમિટીમાં સેના, નૌસેના અને વાયુસેના પ્રમુખ રહે છે. સૌથી વરિષ્ઠ સભ્યને આનાં ચેરમેન પદે નિયુક્ત કરવામાં આવે છે. આ પદ વરિષ્ઠ સભ્યનાં રોટેશનનાં આધાર પર રિટાયરમેન્ટ સુધી આપવામાં આવે છે. ધનોઆ 31 મેથી સીઓએસસીનાં ચેરમેન બન્યાં છે.