નવી દિલ્હી: ફેસબુકના કથિત પક્ષપાતને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તેની વચ્ચે ફેસબુક ઈન્ડિયાના પ્રમુખ અજીત મોહનની એક સંસદીય સમિતિએ બે કલાક જેટલી પૂછપરછ કરી હતી. ઈન્ફરમેશન ટેક્નોલોજી પર સંસદની સ્થાયી સમિતિ સોશિયલ મીડિયા મંચના કથિત દુરુપયોગ પર ચર્ચા કરી રહી છે.

જો કે, બંધ રુમમાં થયેલી આ બેઠક દરમિયાન શું વાતચીત થઈ તે અંગે હાલ કોઈ જાણકારી મળી શકી નથી. કૉંગ્રેસના વરિષ્ઠ નેતા તથા સમિતિના અધ્યક્ષ શશિ થરુરે ટ્વીટ કરી કે, “સૂચના પ્રોધોગિકી પર સંસદની સ્થાયી સમિતિની બેઠકમાં મીડિયાની વધારાની રુચિને જોતા હું માત્ર એટલું જ કહી શકું છું કે, અમે લગભગ સાડા ત્રણ કલાક બેઠક કરી અને બાદમાં ચર્ચા, જેમાં ફેસબુકના પ્રતિનિધિઓ સાથે ચર્ચા પણ સામેલ છે, ફરી બેઠક કરવા પર સામાન્ય સહમતિથી સહમત થયા. ”



સૂત્રો અનુસાર,  ફેસબુકના પ્રતિનિધિઓ સાથે ચર્ચા પૂરી થઈ શકી નથી, એવામાં 10 સપ્ટેમ્બરે ફરી બેઠક બોલાવવાની વિચારણા હતી પરંતુ તેના પર સહમતિ ન થતા કેટલાક સભ્યોએ તેનો આ અધારે વિરોધ કર્યો કે સમિતિનુ પુનર્ગઠન થવાનું છે.

સમિતિએ નાગરિકોના અધિકારો સુરક્ષા અને ડિજિટિલ ક્ષેત્રમાં મહિલા સુરક્ષા પર વિશેષ જોર આપવા સહિત સોશિયલ/ ઓનલાઈન ન્યૂઝ મીડિયા મંચોના દુરુપયોગની રોકથામના વિષય પર ફેસબુકના પ્રતિનિધિયોના વિચાર સાંભળવા માટે ફેસબુકના પ્રતિનિધિઓને બોલાવાયા હતા. એક અધિકારીએ જણાવ્યું કે, સમિતિના અધ્યક્ષ સહિત 18 સભ્ય બેઠકમાં ઉપસ્થિત હતા.

ઉલ્લેખનીય છે કે, અમેરિકી સમાચાર પત્ર વૉલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, સોશિયલ મીડિયા મંચે નફરતવાળા ભાષણ સાથે સંબંધિત પોતાના નિયમોને ભાજપના કેટલાક નેતાઓ પર લાગુ કરવામાં અનદેખી કરી.