ફેસબુકે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, તપાસમાં જાણવા મળ્યું કે યૂસર્સે નકલી એકાઉન્ટનો ઉપયોગ કરી અને પોતાના કંટેન્ટનો પ્રસાર કરવા અંગેજમેન્ટ વધારવાનો પ્રયાસ કરવા માટે જુદાં-જુદાં ગૃપમાં સામેલ થયા. તેમની પોસ્ટમાં સ્થાનિક સમાચાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ જેવા તેમની રાજકિય વિરોધીઓની ટીકા છે. આ પેજ અને અકાઉન્ટ દ્વારા ફેસબુક પર જાહેરાત માટે આશરે ૨૭ લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
ફેસબુક પર સાઇબરસ્પેસ પોલીસીના પ્રમુખ નથાનિએલ ગ્લીકરે એક નિવેદનમાં કહ્યું, આ પ્રયાસ પાછળ રહેલા લોકોએ પોતાની ઓળખ છૂપાવવાનો પ્રયાસ કર્યો, અમારી સમીક્ષામાં જોવા મળ્યું કે આ એક કોંગ્રેસના IT સેલ સાથે જોડાયેલા વ્યક્તિઓ સાથે જોડાયેલા હતા. ફેસબુક તેમના વ્યવહારના આધાર પર એકાઉન્ટ હટાવે છે નહી કે તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવેલા કંટેન્ટ પર.
કોંગ્રેસ દ્વારા કહેવામાં આવ્યું હતું કે ફેસબુકે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના કોઈ પણ પેજને હટાવ્યું નથી. અમારા વેરિફાઇડ અકાઉન્ટ અમારા વોલંટિયર્સ દ્વારા ઓપરેટ થાય છે અને બધા સક્રીય છે. ફેસબુકે જે પેજ કે અકાઉન્ટ હટાવ્યાં છે એનું લિસ્ટ મેળવવાનો અમને ઇંતજાર છે. બીજી તરફ કોંગ્રેસના પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું હતું કે અમારે ફેસબુકના રિપોર્ટની તપાસ કરવી પડશે. કદાચ આ પેજ અમારી સાથે સંકળાયેલાં ના હોય અને કદાચ ન્યુઝ રિપોર્ટ પણ સાચો ન હોય. અમારે એ વાતની તપાસ કરવી પડશે કે ખરેખર એ પેજ અમારી સાથે સંકળાયેલાં હતાં કે નહીં.