નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની બીજી લહેર હાલ ધીમી પડી છે તેમ છતાં કેટલાક રાજ્યોમાં વધી રહેલા કેસ ચિંતાનું કારણ છે. કોરોનાને લઈ અનેક પ્રકારના મેસેજ કે વીડિયો વાયરલ થયા છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં કોરોના મામૂલી વાયરસ હોવાનો દાવો કરાયો છે. ઉપરાંત લોકોને માસ્ક ન પહેરવા અને રસીકરણ જરૂરી ન હોવાનું પણ કહેવામાં આવ્યું છે.


સોશિયલ મીડિયા વોટ્સએપ પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક વ્યક્તિ દ્વારા કોરોના મહામારી અને વેક્સિનને લઈ અનેક ભ્રામક દાવા કરવામાં આવ્યા છે. આ વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ એક મામૂલી ફ્લૂ છે. વીડિયોમાં તે વ્યક્તિ એમ પણ કહે છે કે માસ્ક પહેરવાની, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાની કે કોવિડ રસીકરણ કરાવાની જરૂરિયાત નથી. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું, આવી કોઇ અસ્પષ્ટ સૂચના કે વોટ્સએપ ફોરવર્ડ કે શેર ન કરો. માસ્ક જરૂર પહેરો, કોવિડ ગાઇડલાઇનનું પાનલ કરો અને રસીકરણ કરાવો.






પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો અથવા pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.


દેશમાં સતત બીજા દિવસે કોરોનાના મામલા 40 હજારથી ઓછા નોંધાયા છે. શનિવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં 39,097 નવા કેસ નોંધાયા છે અને 546 લોકોના મોત થયા છે. આ પહેલા શુક્રવારે 35,342 નવા મામલા આવ્યા હતા. જ્યારે છેલ્લા 24 કલાકમાં 35,087 લોકો કોરોનાથી ઠીક થયા હતા. એટલેકે એક્ટિવ કેસમાં 3464નો વધારો થયો છે.