કોલકાતાઃ પાડોશી દેશ બાંગ્લાદેશની જાણીતી એક્ટ્રેસ અંજૂ ઘોષ ભાજપમાં જોડાઈ ગઈ છે. અંજૂ ઘોષ ભાજપમાં જોડાતા જ પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ ભાજપ પર સવાલ ઉભા કર્યા છે, કારણ કે તે બાંગ્લાદેશી નાગરિક છે. અંજૂ ઘોષ રાજધાની કોલકાતમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષની હાજરીમાં ભાજપમાં જોડાઈ છે.



ટીએમસી નેતા દિપ્તાંગશુ ચૌધરીએ આ મામલાને લઈને સોશિયલ સાઈટ ફેસબુક પર એક પોસ્ટ લખી છે. તેમણે અંજૂ ઘોષની નાગરિકતાનો વિરોધ કરતાં કહ્યું કે, એક બાંગ્લાદેશી નાગરિક આ દેશની કોઈ પાર્ટનો સભ્ય કેવી રીતે બની શકે.

નોંધનીય છે કે, આ પહેલા બાંગ્લાદેશના અભિનેતા ફિરદૌસ અહમદે લોકસભા ચૂંટણીમાં ટીએમસી માટે ચૂંટણી પ્રચાર કરવાને લઈને વિરોધ થયો હતો. ભાજપે તેની નાગરિકતાને લઈને વિરોધ નોંધાવ્યો હતો અને આચાર સંહિતા ઉલ્લંઘનની ફરિયાદ કરી હતી. બાદમાં ગૃહ મંત્રાલયે રીજનલ રજિસ્ટ્રેશન ઓફિસ માટે રિપોર્ટ માગ્યો હતો. બાદમાં તેને તરત જ દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. સાથે જ તેમના બિઝનેસ વિધા પણ રદ્દ કરવામાં આવ્યા હતા.